સત્તાવાર ડિજિટલ જીવનચરિત્ર

દલુભાઈ સવજીભાઈ દેસાઈ

વીસમી સદીના છેલ્લા ત્રણ દશકોમાં બનાસકાંઠાના સામાજિક, સહકારી અને રાજકીય સમીકરણોને ૧૮૦ ડિગ્રીએ બદલી નાખનાર સમાજસુધારક અને લોકનાયકની સંપૂર્ણ જીવનગાથા.

જન્મ: ૧૨ સપ્ટેમ્બર ૧૯૨૭ (જગાણા) • નિધન: ૨૩ માર્ચ ૨૦૦૪ • સંપૂર્ણ સંકલન: ભાગ ૧, ૨ અને ૩
પ્રકરણ ૦૧

ભાગ ૧: એક ઇતિહાસની શરૂઆત

દલુભાઈ દેસાઈ એટલે એક ગોડફાધર, એક રાજકીય સુધારક, એક સમાજસેવક અને એક ક્રાંતિકારી છતાં વૈરાગી રાજનેતા. વીસમી સદીના છેલ્લા ત્રણ દશકોમાં બનાસકાંઠા જિલ્લાના સામાજિક અને રાજકીય સમીકરણોને ૧૮૦ ડિગ્રીએ ફેરવી દેવાનો શ્રેય દલુભાઈ સવજીભાઈ દેસાઈને જાય છે. ડીએસ દેસાઈ અને 'દલુભા' જેવા જાણીતા અને લાડકા નામોથી ઓળખાતા દલુભાઈ દેસાઈનો જન્મ ઇસ ૧૯૨૭ ની બારમી સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામે થયો હતો.

બનાસકાંઠા ગુજરાત રાજ્યનો સૌથી ઉત્તરના છેડે આવેલો જિલ્લો છે જેની એક સીમા રાજસ્થાનથી તો એક સીમા પાકિસ્તાનથી જોડાયેલી છે. બનાસ નદીના વહેણથી પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલો બનાસકાંઠા જિલ્લો ૧૯૬૦ ના દશક સુધી એક પછાત જિલ્લાના લેબલ સાથે જીવતો હતો. આ જિલ્લાની કુલ વસ્તીમાં ૩૦ ટકાથી વધુ વસ્તી ચૌધરી જાતિના લોકોની હતી. પણ ચૌધરીઓની દશા દયનિય હતી. તેઓ અશિક્ષિત અને પછાત તો હતા જ પણ સાથે સાથે તેઓ સમાજના બીજા વિકસિત વર્ગોથી શોષણ પામેલા પણ હતા. પૂર્વ બનાસકાંઠાનો ચૌધરી સમાજ અતિગરીબ, અશિક્ષિત અને વ્યસનો તથા કુરિવાજોથી યુક્ત હતો. કેટલાક ચૌધરીઓ જમીનદારો જેવા હતા પણ શિક્ષણનો અભાવ તો તેમનામાં પણ સ્પષ્ટ તરી આવતો હતો. આ કારણે એક તૃતીયાંશ બહુમતી હોવા છતાં જિલ્લામાં તેમનું કોઈ વર્ચસ્વ નહોતું. જિલ્લાની રાજનીતિ મોટાભાગે અગ્રણી જાતિઓના હાથમાં હતી તો પશ્ચિમ બનાસકાંઠામાં માથાભારે લોકોનો દબદબો હતો. કહેવાય છે કે પશ્ચિમ બનાસકાંઠામાં એ માથાભારે લોકોની જોહુકમી એટલી બધી હતી કે ચૌધરીઓને તેમના ખેતરોમાં પિયત કરવા જતા પહેલા તેમના ખેતરોમાં પિયત કરવા જવું પડતું. કહેવાય છે કે મેળામાં પણ જો ચૌધરી જાય તો તેમના દમનથી બચવા પોતાની ચૌધરી તરીકેની ઓળખ છુપાવતો.

ઇતિહાસના કંઈક આવા જ પડાવે પૂર્વ બનાસકાંઠાના જગાણા ગામમાં ચૌધરીઓના દેસાઈ કુળમાં જન્મેલો એક છોકરો વકીલ બનીને બહાર આવ્યો. જિલ્લાના ચૌધરી સમાજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવીને સામે આવેલા શરૂઆતી માણસોમાંથી આ એક હતો. એનું નામ હતું દલુભાઈ દેસાઈ. એક ગરીબ ઘરમાંથી જાત મહેનતે ભણીને તૈયાર થયેલા દલુભાઈએ ધીરે ધીરે પૈસા ભેગા કરી પાલનપુર શહેરમાં પોતાની એક ઓફિસ ખરીદી લીધી.

1964 નું એ વર્ષ હતું અને દલુભાઈની ઉમર હતી ૩૪ વર્ષ. એવામાં એકવાર પશ્ચિમ બનાસકાંઠામાંથી કેટલાક ચૌધરીઓ એક કેસ લઈને દલુભાઈ પાસે આવ્યા. તેમનો એક ભાઈ એક ચૌધરી છોકરીની છેડતી કરતા કેટલાક માથાભારે તત્વોનો વિરોધ કરવા ગયેલો અને તેમના હાથે માર્યો ગયેલો. હવે એ ચૌધરીઓ દલુભાઈ પાસે કેસ લડાવીને એ તત્વોને સજા અપાવવા માંગતા હતા. પણ દલુભાઈએ તેમનો કેસ લેવાની ના પાડી દીધી. તેમણે કહ્યું, 'હું બાયલાઓના કેસ લડવા અહીંયા નથી બેઠો. ચૌધરી છો કે કોણ છો? આવી રીતે રોતા રોતા મારી પાસે નહીં આવવાનુ. જાઓ પહેલા અન્યાય સામે પુરી શક્તિથી લડો. અને એમાં તમને કોઈ કાયદાકીય તકલીફ થઇ તો હું અહીંયા બેઠો છું.'

પશ્ચિમમાંથી આવેલા ચૌધરીઓએ આવા હિમ્મત આપતા શબ્દો પહેલીવાર સાંભળ્યા હતા. આથી હવે તેઓ રાજપૂતો સાથે સીધા સંઘર્ષમાં ઉતર્યા. આ કારણે એ માથાભારે તત્વો વિરુદ્ધની હિંસામાં ફસાયેલા ચૌધરીઓના બે કેસ દલુભાઈ પાસે આવ્યા અને દલુભાઈએ તેમને ફાંસી અને ઉમરકેદ જેવી સજાઓમાંથી બચાવી તેમની સજાને બેથી પાંચ વર્ષ સુધીની જેલની સજા સુધી સીમિત કરી. આ રીતે બે કામ થયા. ચૌધરીઓમાં શોષણ અને અન્યાય સામે સંઘર્ષ કરવાની હિંમત આવી અને બીજી બાજુ દલુભાઈની પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી. દલુભાઈ ચૌધરી સમાજમાં એક બાહોશ અને શક્તિશાળી વ્યક્તિત્વ તરીકે ઉભરવા લાગ્યા.

હવે, આ સમયગાળામાં જ 'બનાસના ગાંધી' કહેવાતા આદર્શવાદી ચૌધરી નેતા ગલબાભાઈ નાનજીભાઈ ચૌધરી દલુભાઈના સંપર્કમાં આવ્યા. ગલબાભાઈને આખો જિલ્લો 'ગલબાકાકા' તરીકે ઓળખતો. ગલબાકાકા બનાસકાંઠામાં મુખ્ય ચૌધરી નેતા હતા. પણ તેમની ઓળખ કોઈ ચૌધરી નેતાની ન હોતાં ગરીબ, શોષિત અને કચડાયેલા વર્ગ માટે લડતા એક ગાંધીવાદી નેતાની હતી. પોતે બહુ જ ઓછું ભણેલા હોવા છતાં તે સમયે ગલબાકાકાએ ડેનમાર્ક જઈને ડેરીઉદ્યોગનો અભ્યાસ કરેલો અને પાછા આવીને બનાસ ડેરીની સ્થાપના કરેલી. તેઓ ધારાસભ્ય પણ રહેલા. તેઓ જયારે દલુભાઈના સંપર્કમાં આવ્યા ત્યારે તે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. દલુભાઈમાં તેમણે એક કુશળ રાજનીતિજ્ઞ અને એક સાહસી સમાજસેવક જોયો. ગલબાકાકા પાલનપુરમાં કીર્તિસ્તંભ આગળ રહેલી દલુભાઈની ઓફિસમાં પહોંચ્યા અને કહ્યું, 'હવે મારી ઉમર થઇ રહી છે. હું જાજુ ભણ્યો નથી, જયારે વિરોધી નેતાઓ અને તેમના ઈશારે કામ કરનારા અધિકારીઓ ભણેલા ગણેલા છે. આજસુધી મેં ગમેતેમ કરીને મારી કોઠાસૂઝથી કામ ચલાવ્યું પણ હવે મુશ્કેલ છે. મારા જેવા એકમાત્ર ચૌધરી નેતાને રસ્તામાંથી હટાવી દેવા રોજ નવા નવા કાવતરા થાય છે. તું ભણેલો ગણેલો અને બુદ્ધિશાળી છે. તું એમને પહોંચી શકીશ. હું તને ટિકિટ અપાવીશ. હવે અહીંથી આગળ તું સંભાળી લે.'

દલુભાઈ માટે આ શબ્દો કોઈ આશીર્વાદથી ઓછા નહોતા પણ તેઓ એના માટે તૈયાર નહોતા. તેમણે કહ્યું, 'મને પ્રેકટીશ શરુ કરે હજી આઠ વર્ષ જ થયા છે. મારે ચાર સંતાનો છે જે હજી ભણે છે. હું બહુ ગરીબીમાંથી ઉભો થયો છું અને માંડ ટકતો થયો છું. મારે હજી પૈસા કમાવવા છે અને પાયો મજબૂત કરવો છે.' પણ ગલબાકાકાએ જીદ ના છોડી. તેમણે કહ્યું, 'તું બસ એમ માની લે કે તારા એ ચાર સંતાનો સાથે આ સમાજ પણ તારું સંતાન છે. અને જો તું એ ચાર સંતાનોને સુખ આપવામાં પાંચમા સંતાનનું દુઃખ જોઈ શકતો હોય તો મારી વાત ના માનતો. પણ મારા જીવન પરથી કહું તો સમાજ માટે જીવેલું જીવન જ સાચું જીવન છે. એટલે જે નિર્ણય કરે તે પહેલા આ જિલ્લાના ચૌધરીઓની હાલત પર એક નજર કરી લેજે.'

આ રીતે આખરે ગલબાકાકાએ દલુભાઈને જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના એક સચિવ બનવા મનાવી લીધા. જિલ્લા સચિવ તરીકે દલુભાઈ હંમેશા જિલ્લા પ્રમુખ એવા ગલબાકાકાની સાથે રહેતા. અહીંયા દલુભાઈએ બે વાર ગલબાકાકા વિરુદ્ધ થતા વિરોધી નેતાઓ અને કલેક્ટરના ષડયંત્રોને નિષ્ફળ બનાવ્યા. ગલબાકાકા હવે જાણી ચુક્યા હતા કે દલુભાઈ એક અસામાન્ય બુદ્ધિક્ષમતા અને અગાઢ સંવેદનાનું સંતુલન ધરાવતી વિરલ પ્રતિભા છે.

હવે, ગલબાકાકાએ પોતે હટી જઈ દલુભાઈને સ્થાપિત કરવાના આખરી પ્રયાસો શરુ કર્યા. તેમણે વિધાનસભાની ટિકિટ દલુભાઈને મળે તે માટે કોંગ્રેસમાં લોબિંગ શરુ કર્યું. આ સમયનું વર્ણન પાછળ જતાં દલુભાઈએ અનેકવાર પોતાના શબ્દોમાં કર્યું છે, 'મેં મારી સામે ગલબાકાકાને અનેકવાર કોંગ્રેસના એ મોભીઓના સાથળ અને ઘૂંટણ દબાવતા જોયા. એ બસ એક જ માંગ કરી રહ્યા હતા કે "તમે એકવાર મારી સામે જોઈને આ છોકરાને ટિકિટ આપો. હું તમને વિશ્વાસ આપું છું કે એ તમને નિરાશ નહિ કરે." ઘણીવાર મારા અંદરનું સ્વાભિમાન સમસમી ઉઠતું અને હું બોલી ઉઠતો કે "કાકા બસ કરો. મારા માટે આ બધું ના કરો. હવે હું જોઈ નથી શકતો." પણ તેઓ મને કહેતા, "હું આ તારા માટે નહિ, આ સમાજ માટે કરું છું. હું આજે એમના સાથળ દબાવું છું અને કાલે એ તારા દબાવશે."'

દલુભાઈ ગલબાકાકાના આ શબ્દો યાદ કરીને ઘણીવાર ભાવુક થઇ જતા અને કહેતા, 'હું હજી રાજકારણમાં જોડાવવાના નિર્ણય અંગે દ્વિધામાં હતો. પણ જયારે મેં ગલબાકાકાને એ બધું કરતા જોયા ત્યારે હું સમજી ગયો કે એમણે મારાથી કેટલી અપેક્ષાઓ બાંધી રાખી હતી. આજે પણ જયારે મને એ ચિત્ર યાદ આવે છે તો હું ઊંઘમાંથી પણ બેઠો થઇ જાઉં છું અને ચકાસવા લાગુ છું કે હજી મારાથી આ સમાજ માટે શું થઇ શકે એમ છે. હજી કઈ રહી તો નથી જતુંને ?'

આખરે, ગલબાકાકાની મહેનત ફળી અને દલુભાઈને કોંગ્રેસ તરફથી ધાનેરા તાલુકાની વિધાનસભાની ટિકિટ મળી. દલુભાઈએ પોતાની જનસંપર્ક અને વક્ત્રુત્વની અભૂતપૂર્વ ક્ષમતાથી ૧૯૭૨ ની એ વિધાનસભા ચૂંટણી ૫૫ ટકા વોટ મેળવીને જીતી લીધી. આ રીતે ૧૯૭૨ માં ૪૨ વર્ષની ઉંમરે તેઓ ધાનેરાના ધારાસભ્ય બન્યા અને આ જીત સાથે જ તેમણે વકીલ તરીકેની પોતાની આઠ વર્ષની ધમધોકાર પ્રેક્ટિસ સમેટી લીધી. તેમના હાથ નીચે તૈયાર થઇ રહેલા એમ. એલ. ચૌધરી નામના એક છવ્વીસ વર્ષના હોનહાર છોકરાને પોતાના વારસદાર તરીકે ઓફિસ સોંપી તેમણે વકીલાતની દુનિયામાંથી બહાર પગ મુક્યો તે મુક્યો, તે ફરી ક્યારેય વકીલાતની દુનિયામાં પાછા ના ફર્યા. આ પછીની તેમની યાત્રા રાજનીતિમાં જ એક સેવાથી બીજી સેવા તરફ ધકેલાતી રહી. એમ. એલ. ચૌધરી આજે પણ ઉત્તર ગુજરાતના સર્વશ્રેષ્ઠ ક્રિમિનલ લોયર તરીકે કીર્તિસ્તંભ પાસે આવેલી દલુભાઈની એ જ ઓફિસમાંથી પોતાની પ્રેક્ટિસ ચલાવે છે.

1972 માં દલુભાઈના ધારાસભ્ય બનતા જ ગલબાકાકાએ રાજનીતિમાંથી નિવૃત્તિ લઇ લીધી, અને બીજા વર્ષે ૧૯૭૩માં જ પેનિસિલિન ઇન્જેક્શનના રીએકશનથી ગલબાકાકાનું આકસ્મિક મૃત્યુ થયું. ગલબાકાકાની અંતિમ યાત્રા જ્યારે પાલનપુરથી તેમના ગામ નળાસર સુધી નીકળી ત્યારે સમગ્ર માર્ગમાં દલુભાઇ પોતાના રાજકીય ગુરુના પાર્થિવ દેહના મસ્તક પાસે બેસેલા હતા. ગલબાકાકાના નિધન બાદ બનાસકાંઠાની રાજનીતિમાં ગલબાકાકાની વિરાસતની જવાબદારી ૪૭ વર્ષના દલુભાઈના માથે આવી. અને અહીંથી ઉદય થયો એ ગોડફાધર દલુભાઈ દેસાઈનો જેમના પોતાના જ સિદ્ધાંતો હતા અને એ સિદ્ધાંતો પર ઉભું થયેલું અને સમાજસેવાના આદર્શોને વરેલું પોતાનું જ એકહથ્થુ સામ્રાજ્ય હતું. દલુભાઈનો ઉદય એક એવા યુગનો ઉદય હતો જેણે બનાસકાંઠાના સામાજિક અને રાજકીય ઇતિહાસને જડમૂળથી પલટી નાખ્યો.

૧૯૭૩ માં પોતાના રાજકીય ગુરુ ગલબાભાઈની અંતિમ યાત્રા (પાલનપુરથી નળાસર) માં પાર્થિવ દેહ પાસે બેસેલા દલુભાઈ દેસાઈ.
૧૯૭૩ માં પોતાના રાજકીય ગુરુ ગલબાભાઈની અંતિમ યાત્રા (પાલનપુરથી નળાસર) માં પાર્થિવ દેહ પાસે બેસેલા દલુભાઈ દેસાઈ.

પ્રકરણ ૦૨

ભાગ ૨: એક સામ્રાજ્યનો ઉદય

ધારાસભ્ય બન્યા પછી દલુભાઈ દેસાઈની સાદગીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. દલુભાઈ રોજ જગાણાના પોતાના ઘરેથી એક કિલોમીટર ચાલીને હાઇવે પર આવતા અને ત્યાંથી ગાંધીનગરની બસ પકડીને બસની ધારાસભ્યની સીટ પર બેસી વિધાનસભા પહોંચતા. તેમનો ધારાસભ્ય તરીકેનો અનુભવ હજી માંડ એક વર્ષનો થયો હતો ત્યાંજ ૧૯૭૩ માં ચીમનભાઈ પટેલે કોંગ્રેસનું વિભાજન કરી ઘનશ્યામ ઓઝાની સરકારને ઉથલાવી દીધી અને પોતે મુખ્યમંત્રી બની બેઠા. દલુભાઈ ચીમનભાઈના પ્રયાસો છતાં તેમની સાથે ન જઈ કોંગ્રેસમાં જ રહ્યા. અને આ વાતનો બદલો લેવાની તક ચીમનભાઈને બહુ જલ્દી મળી ગઈ.

એ સમયે દલુભાઈએ તેમના કેટલાક વણીક મિત્રો સાથે મળીને એક રાયડા મિલ શરુ કરેલી હતી જેનો વ્યવહાર દલુભાઈના મોટા દીકરા નરસિંહભાઇ સંભાળતા. એક રાતે એ મીલના ચોકિયાતે તેની પત્ની સાથે ઝગડો થતા મિલમાં જ આત્મહત્યા કરી લીધી. ચીમનભાઈ સુધી આ વાત પહોંચતા જ તેમણે તક ઝડપી લીધી. તેમણે દલુભાઈના સ્થાનિક વિરોધીઓની મદદ લઇ દલુભાઈના મોટા દીકરાને ચોકીયાતના ખૂન કેસમાં ફસાવ્યા. ઘણા બધા સબુતો અને સાક્ષીઓને બદલવામાં આવ્યા અને દલુભાઈના દીકરાને જેલમાં જવું પડ્યું. દલુભાઈ સમજી ગયા કે આ કોનું કામ છે. તેમણે ચીમનભાઈના એક નજદીકી નેતાને કહ્યું, 'હું તો ચીમનભાઈને એક બાહોશ માણસ સમજતો હતો પણ એતો એક કાયર માણસ નીકળ્યા. કરી કરીને એક નિર્દોષ છોકરાને ફસાવ્યો? એમને કહેજો કે જો ચીમનભાઈમાં દમ હોય તો આ દલુભાઈ અહીં બેઠો છે એના સાથે જે થતું હોય એ કરી લે. પણ નિર્દોષ છોકરાઓને રાજનીતિમાં ના ઘસેડે. રાજકારણના પણ કેટલાક સિદ્ધાંતો હોય છે.'

ચીમનભાઈ સુધી જયારે આ શબ્દો પહોંચ્યા ત્યારે તેમણે દલુભાઈને મળવા મુખ્યમંત્રી કાર્યાલયમાં બોલાવ્યા. આ મુલાકાતમાં ચીમનભાઈ દલુભાઈના વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત થયા અને તેમણે સમાધાન માટે એક શર્ત મૂકી. શર્ત એટલી જ હતી કે દલુભાઈ ચિમનભાઈને પોતાના આજીવન મિત્ર માની લે અને તેમનો દીકરો ઘરે પાછો આવી જશે. દલુભાઈ સિદ્ધાંતો સાથે સમાધાન કરે એમ તો નહોતા પણ ચીમનભાઈમાં તેમને એક બળવાખોર નેતા પાછળ છુપાયેલો અગમ્ય કોઠાસૂઝ ધરાવતો એક શક્તિશાળી લીડર દેખાયો. અને એ રીતે દલુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની ગાઢ મૈત્રીની શરૂઆત થઇ જે તે બંનેના મૃત્યુ સુધી અકબંધ રહી. એક જ અઠવાડિયામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દલુભાઈનો દીકરો નિર્દોષ છૂટીને ઘરે પાછો આવ્યો.

આ ઘટનાના કેટલાક મહિનાઓ પછી ૯ મી ફેબ્રુઆરી ૧૯૭૪ ના રોજ નવ નિર્માણ આંદોલનના કારણે ચીમનભાઈને મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું અને ફરીથી ચૂંટણીઓની ઘોષણા થઇ. પરંતુ, આ વખતે દલુભાઈએ વિધાનસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી. તેમના માટે બનાસકાંઠા જિલ્લાની પાયાની સમસ્યાઓ દૂર કરવી એ મુખ્ય લક્ષ્ય હતું અને ધારાસભ્ય બનીને વિધાનસભામાં આંગળી ઊંચી કર્યા સિવાય બીજું કોઈ કામ નહોતું. તે સમયે ધારાસભ્ય કરતા જિલ્લા પંચાયતના પ્રમુખની સત્તા વધારે હોતી. તે જીલ્લાનો વડો કહેવાતો અને જીલ્લાને કઈ દિશામાં લઈ જવો એ સત્તા મોટાભાગે જીલ્લા પંચાયત પ્રમુખના હાથમાં રહેતી. દલુભાઈને એ જ તો જોઈતું હતું. એટલે આ વખતે તેઓ વિધાનસભાની ચૂંટણી જવા દઈ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા.

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દલુભાઈની જીત એ જિલ્લાની રાજનીતિમાંથી બ્રાહ્મણ વર્ચસ્વનો અંત હતો. દલુભાઈને આ વાતનો અહેસાસ હતો. આથી, પોતાના અઢી દાયકાના રાજકીય જીવનમાં તેમણે બ્રાહ્મણોને ક્યારેય કોઈ અન્યાય ન થાય એ વાતનું ધ્યાન રાખ્યું. તે બ્રાહ્મણોનું કામ કરવા હંમેશા તત્પર રહેતા અને તેના લીધે બ્રાહ્મણોમાં દલુભાઈની સારી એવી લોકપ્રિયતા હતી. આગળ જતાં એકવાર તેમણે પોતાના માટે નક્કી થયેલી ધાનેરા વિધાનસભાની ઉમેદવારી એક બ્રાહ્મણ ઉમેદવાર ને આગળ કરવા છોડી દીધેલી. તો જિલ્લાના ગરીબ, શોષિત અને કચડાયેલા વર્ગ માટે જિલ્લા પ્રમુખ તરીકે દલુભાઈ એક નવો ચહેરો જ નહીં એક નવી આશા પણ હતા. તેમણે શરૂઆત ગરીબોમાં રાજનૈતિક જાગૃતિ લાવવાથી કરી. તેઓ પશ્ચિમ જિલ્લાના અમુક વર્ગોની જોહુકમીથી વાકેફ હતા. એ જોહુકમીને નાથવા એક જ ઉપાય હતો કે શોષિત વર્ગની રાજકારણમાં ભાગીદારી વધારવી. એ શોષિત વર્ગમાં બહુમતી ચૌધરીઓની હતી. આથી દલુભાઈએ પશ્ચિમ બનાસકાંઠાના ગણ્યાગાંઠ્યા શિક્ષિત ચૌધરીઓને રાજનીતિમાં લાવવાનું શરુ કર્યું. આ રીતે તેમણે ધાનેરામાંથી જોઇતાભાઈ પટેલ અને થરાદમાંથી જગતાભાઈ તથા પરબતભાઇ પટેલ નામના યુવાનોને તેમની સરકારી નોકરીઓ છોડાવી રાજનીતિમાં લાવ્યા. કાંકરેજ તાલુકામાંથી તેમણે રબારી સમાજના મફાભાઇ દેસાઈને રાજનીતિમાં જોડ્યા. શરૂઆતમાં દલુભાઈએ આ નવા નેતાઓને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જીતાવડાવીને તાલુકા પ્રમુખ બનાવ્યા. થરાદમાં તાલુકા પંચાયતના પ્રમુખ રહેલા જગતાભાઈ વીસ વર્ષ સુધી સતત પ્રમુખ રહ્યા. હવે દલુભાઈએ જોઇતાભાઈને ધાનેરામાંથી અને પરબતભાઈને થરાદમાંથી વિધાનસભાની ટિકિટો અપાવડાવી પોતપોતાના તાલુકાના ધારાસભ્ય બનાવડાવ્યા.

પણ આ બધું એટલું આસાન પણ નહોતું. પરબતભાઇ પટેલ જયારે થરાદ વિધાનસભાની પહેલી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે માથાભારે તત્વોએ આખાને આખા મતદાનક્ષેત્રોને જાણે નજરકેદ કરી દીધા. તેઓ જે કોઈ મત આપવા માટે ઘરની બહાર નીકળે તેને ધમકાવીને ઘરમાં ઘુસાડી દેતા હતા. આ વાત જયારે પાલનપુરમાં બેઠેલા દલુભાઈને ખબર પડી ત્યારે તે પોલીસદળની એક મોટી ટુકડી લઈને જાતે જ થરાદ પહોંચી ગયા અને મતક્ષેત્રોમાં પોલીસને તેનાત કરી દીધી. જે જે જોહુકમી કરનારા તત્વો તેમનો વિરોધ કરવા આવ્યા તેમના વિરુદ્ધ ત્યાંને ત્યાં પોલીસ ફરિયાદ નોંધી તેમને કેદ કરવામાં આવ્યા. સાંજ પડતા પડતા આવા ૧૪૨ પોલીસ કેસ નોંધાયા અને મતદાન ચાલુ રાખવામાં આવ્યું. દલુભાઈએ પોતે ઘરે ઘરે ઘુમીને લોકોને ઘર બહાર કાઢ્યા અને મત અપાવડાવ્યા. આ રીતે પરબતભાઇ પટેલ એમની પહેલી વિધાનસભાની ચૂંટણી જીતીને થરાદના ધારાસભ્ય બન્યા.

પણ આ બનાવથી પણ પહેલાના એક પ્રસંગને યાદ કરતાં પરબતભાઇ કહે છે, 'હું બેંકમાં નોકરી કરતો હતો. ત્યાં એક દિવસ સાંજે બેંકમાં દલુભાઈનો ફોન આવ્યો. મને કહ્યું "આજે તું બેંકમાં જ રહેજે. રાત્રે ઘરે ન જતો." મેં એમની વાત કોઈ કારણ જાણ્યા વિના માની લીધી. સાંજે છ વાગ્યે રેડિયો પર સમાચાર સાંભળ્યા કે મને થરાદથી વિધાનસભાની ટિકિટ અપાઈ છે. બીજા દિવસે સવારે હું ઘરે ગયો ત્યારે ખબર પડી કે રાત્રે હથિયારો લઈને કેટલાક માથાભારે લોકો મારા ઘરે મને ધમકાવવા આવ્યા હતા. દલુભાઈએ મને બેંકમાં રાખેલો કારણકે હથિયારધારી સિક્યોરિટી ગાર્ડ ખાલી બેંકમાં જ હતો. સમાજના નવા નેતાઓ ઊભા કરવા માટેની તેમની ચિંતા અને યોજના આટલી બારીકાઇ ભરેલી હતી.'

આ રીતે દલુભાઈ દ્વારા તૈયાર થયેલા નવા નેતાઓ બનાસકાંઠાના દરેક તાલુકામાં શિખર પર આવવા લાગ્યા. બીજી બાજુ એ પછાત વર્ગોમાંથી બીજા નવા નેતાઓને સતત ઉપર લાવવાનું કામ પણ દલુભાઈએ અને તેમણે તૈયાર કરેલા નેતાઓએ ચાલુ રાખ્યું અને એ નવા નેતાઓથી તેમણે નીચેની જગ્યાઓ ભરી. આમ, જિલ્લાની સમગ્ર રાજનીતિ ચૌધરીઓ અને અન્ય શોષિત વર્ગના હાથમાં આવી જતાં અન્ય માથાભારે વર્ગોનું વર્ચસ્વ ખતમ થઇ ગયું.

બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો વચ્ચે દલુભાઈ દેસાઈ — જમીની જનસંપર્ક અને સામાજિક જાગૃતિનો સુવર્ણકાળ.
બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો વચ્ચે દલુભાઈ દેસાઈ — જમીની જનસંપર્ક અને સામાજિક જાગૃતિનો સુવર્ણકાળ.

હવે, દલુભાઈએ સામે ચાલીને રાજપૂત આગેવાનોને બોલાવ્યા અને કહ્યું, 'આ જિલ્લાના પ્રમુખ તરીકે હું તમારા બધાના પિતા સમાન છું અને તમે સૌ મારા સંતાનો છો. પણ એક પિતા એ કેવી રીતે ચલાવી લે કે તેનો એક પુત્ર બીજા પુત્ર પર દમન ગુજારે. પ્રજામાં સંતુલન હોવું જરૂરી છે. વિકાસ સાધવાનો અને સમૃદ્ધ બનવાનો હક દરેકને સમાન મળવો જોઈએ. એટલે હવે એ હક પહેલા એ લોકોને આપવાનો છે જેમનું આજદિન સુધી શોષણ થયું છે.' આ રીતે દલુભાઈએ રાજપૂતો અને અન્ય વર્ગો વચ્ચેનું વૈમનસ્ય દૂર કર્યું અને રાજપૂતોને તેમની વસ્તી મુજબ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રાજનીતીમાં જગ્યા આપી. આ દલુભાઈ દેસાઈની રાજનીતિનું ઉચ્ચ સ્વરૂપ હતું. સમગ્ર જિલ્લાની બહુમતી ધરાવતી પ્રજાનું સમર્થન પ્રાપ્ત હોવા છતાં તેમણે જિલ્લાના રાજકીય સમીકરણોને ક્યારેય કોઈ એક બાજુ ઝૂકવા ન દીધા. તેમણે એક સ્થિતપ્રજ્ઞ રાજાની જેમ સમાજના તમામ વર્ગો વચ્ચે હંમેશા સંતુલન જાળવી રાખ્યું. આ જ સંતુલન ખાતર એકવાર તેમણે ધાનેરાથી તેમના પોતાના માટે આવેલી વિધાનસભાની ટિકિટ પાછી ખેંચી લઇ પોતાની જગ્યાએ એક બ્રાહ્મણ નેતાને ઉમેદવાર બનાવ્યા હતા અને જીતાડ્યા હતા. આ જ કારણે જિલ્લાના તમામ વર્ગોમાં દલુભાઈની લોકપ્રિયતા વધવા લાગી હતી.

આ એ સમય હતો જયારે જિલ્લાના પછાત અને શોષિત વર્ગો માટે દલુભાઈ એક મસીહા સમાન બની રહ્યા હતા. જિલ્લાની મોટાભાગની વસ્તી દલુભાઈના કાબુમાં હતી અને હવે એ એટલી શક્તિ મેળવી ચુક્યા હતા કે જિલ્લાની રાજનીતિનું એક પત્તુ પણ તેમની મરજી વિરુદ્ધ હલે એમ નહોતું. ધારાસભ્યો તરીકે તો શોષિત વર્ગોના નેતાઓ સારા એવા પ્રમાણમાં સ્થાયી થઇ ચુક્યા હતા પણ જિલ્લાની એકહથ્થુ બિનહરીફ સત્તા મેળવવા માટે દલુભાઈને સંસદસભ્ય તરીકે પણ પોતાનો માણસ બેસાડવો જરૂરી હતો. તેઓ પોતે જિલ્લાની જમીન પરનો કાબુ છોડવા માંગતા નહોતા. એટલે તેમનું જિલ્લા પ્રમુખ તરીકે જમીન પર ટકી રહેવું જરૂરી હતું. આથી દિલ્લી સુધી પોતાનો માણસ મોકલવા દલુભાઈએ લઘુમતી કોમના બી. કે. ગઢવીને તૈયાર કર્યા. બી.કે. દલુભાઈના વકીલાતના સમયના મિત્ર હતા. દલુભાઈએ બી.કે.ને જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના સચિવ બનાવી પોતાના સાથી તરીકે પેશ કર્યા. બી.કે.ને આગળ લાવવા દલુભાઈ તેમના નામે આવેલા નિમંત્રણ કાર્ડમાં પણ તેમની સાથે બીકે ગઢવીનું નામ લખાવા લાગ્યા. આ ઉપરાંત કેટલાક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે પોતાના પ્રતિનિધિ તરીકે બીકે ગઢવીને મોકલવા લાગ્યા. આ રીતે તે બી.કે.ને જિલ્લાભરમાં લોકોના સીધા સંપર્કમાં લાવ્યા. આ યોજનામાં વધુ રસ ભેળવ્યો બીકે ગઢવીની ગઢવીઓવાળી વાકછટાએ.

અંતે જયારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે તેમણે ચીમનભાઈ દ્વારા બીકે ગઢવીને કોંગ્રેસની ટિકિટ અપાવી. ચીમનભાઈએ દલુભાઈને ઘણા સમજાવ્યા કે આ એક ભૂલ સાબિત થઇ શકે છે અને તે ટિકિટ દલુભાઈએ પોતે લઈને દિલ્લીની રાજનીતિમાં શામેલ થવું જોઈએ. પણ દલુભાઈના મનમાં હજી જિલ્લાના વિકાસ માટે ઘણી યોજનાઓ ઘૂમી રહી હતી. આથી તેમણે જિલ્લાના તમામ લોકોને બીકે ગઢવીને જીતાડવા હાકલ કરી અને એમના એક આદેશ પર જિલ્લાએ બીકે ગઢવીને વિરાટ જીત અપાવી. બીકે ગઢવી દલુભાઈના એક પ્રતિનિધિ તરીકે દિલ્લીની સંસદમાં પહોંચ્યા. આ રીતે દલુભાઈએ બનાસકાંઠા જિલ્લાની સમગ્ર રાજનીતિને પોતાના કબ્જામાં લઇ લીધી. આ એ સમય હતો જયારે જિલ્લાના દરેક તાલુકામાં કોણ ધારાસભ્ય બનશે અને કોણ જિલ્લાનો સંસદસભ્ય બનશે એ બધું ફક્ત દલુભાઈ દેસાઈ દ્વારા નક્કી થતું.

આ એ ગોડફાધર દલુભાઈ દેસાઈનો સમય હતો જયારે બનાસકાંઠામાં જો કોઈ કેન્દ્રના મિનિસ્ટર આવ્યા હોય તો તેમના સ્વાગતમાં - કે કલેક્ટર કે રાજ્યપાલ સમક્ષ કોઈ મુદ્દાની છણાવટ કરવા જવાનું થાય તો ત્યાં- દરેક સ્થાને મુખ્ય આગેવાન તરીકે દલુભાઈ આગળ રહેતા અને તેમની પાછળ તેમના અનુયાયી તરીકે જિલ્લાના બધા ધારાસભ્યો અને સંસદસભ્ય હોતા. એકવાર જયારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ડીસાના એરપોર્ટ પર ઉતર્યા તો તેમનું સ્વાગત પ્રોટોકોલ મુજબ જિલ્લાના સંસદસભ્ય અને ધારાસભ્યોએ કર્યું. પણ જેવી ઓપચારિક્તા પુરી થઇ કે તરત ઇન્દિરા ગાંધીએ કહ્યું, 'દલુભાઈ દેસાઈ કોણ છે?' દલુભાઈને તરત ત્યાં બોલાવવામાં આવ્યા. ઇન્દિરા ગાંધીએ દલુભાઈને પોતાની સાથે હેલીકૉપટરમાં બેસવા કહ્યું અને ડીસાથી પાલનપુર સુધીના માર્ગમાં તેમણે જિલ્લાની સામાજિક અને રાજકીય જરૂરતો પર ચર્ચા કરી.

આ દલુભાઈ દેસાઈના રાજકીય જીવનનો સૌથી સુવર્ણયુગ હતો. આ સુવર્ણયુગમાં તેમણે જોઇતાભાઈ પટેલ, પરબતભાઇ પટેલ, નાથાભાઈ પટેલ, કાળુભાઇ તારક, જગતાભાઈ, મફાભાઇ દેસાઈ, ભેમાભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, દલસંગભાઇ ચૌધરી અને બીકે ગઢવી જેવા આજના અને વીતેલા યુગના ધુરંધર નેતાઓ બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કર્યા. તેમના દ્વારા તૈયાર થયેલા આ નેતાઓને તેમણે આજના નેતાઓની જેમ રબરસ્ટેમ્પ બનાવીને નહોતા રાખ્યા. તેમણે એ નવા યુવાન નેતાઓમાં પ્રજા પ્રત્યે જવાબદાર રહેતા એક રાજનેતાના ગુણોનું સર્જન કર્યું. કોઈ મંત્રીના સ્વાગતમાં કે રાજ્યપાલ સાથે ચર્ચામાં તે દરેકને પોતાની સાથે લઇ જવાનું કારણ કંઈ પોતાની સત્તા અને શક્તિનો દંભ કરવાનું નહોતું. તેઓ એ રીતે તે યુવાનેતાઓને પોતાની સાથે રાખીને તેમનામાં ઊંચી નેતૃત્વ ક્ષમતા ઉભી થાય તેની તાલીમ આપી રહ્યા હતા. દલુભાઈ ઘણીવાર પોતાના શિષ્ય સમાન એ નેતાઓને પોતાની જોડે જમવા બેસાડતા અને જમતા જમતા જનહિતના નિર્ણયો કેવી રીતે લેવા, જનમાનસને તે નિર્ણયો માટે કેવી રીતે તૈયાર કરવું, પાર્ટીના ઉપલા નેતાઓ જોડે કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું - એ તમામ બારીકીઓ તેમને શીખવતા. આ તમામ નેતાઓમાં બીકે ગઢવીને તૈયાર કરવા એ આગળ જતા તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઇ અને જોઇતાભાઈ પટેલ જેવા જનમાનસ પર રાજ કરતા રાજનેતાઓને તૈયાર કરવા એ તેમની એક અમૂલ્ય ભેંટ સાબિત થઇ.

પણ આ કંઈ દલુભાઈ દેસાઈના સામ્રાજ્યનો અંત નહોતો. અત્યાર સુધી તેમણે જિલ્લાના રાજનૈતિક સમીકરણોને ૧૮૦ ડીગ્રીએ પલ્ટ્યા હતા અને હવે સમય હતો જિલ્લાની સામાજિક પરિસ્થિતિઓને બદલવાનો જે એમનું મૂળ ધ્યેય હતું. આ સુવર્ણયુગ દલુભાઈના સામ્રાજ્યની મહત્તમ શક્તિશાળી સ્થિતિ હતી જ્યાંથી તેમણે એ ક્રાંતિકારી પગલાં લેવાના શરુ કર્યા જેણે દલુભાઈ દેસાઈ નામની એક નવી રાજનૈતિક વિચારધારાને જન્મ આપ્યો. ગરીબ અને પછાત લોકોના મૂળભૂત જીવનને જ પલ્ટી નાખતા દલુભાઈ દેસાઈના એ ક્રાંતિકારી નિર્ણયો તેમની કથાના ત્રીજા ભાગમાં.


પ્રકરણ ૦૩

ભાગ ૩: સામાજિક ક્રાંતિ અને રાજકીય જીવનનો અંત

એકવાર અમરસિંહ ચૌધરીએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને ફોન કરીને બનાસકાંઠાના દાંતાથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. ચીમનભાઈએ દલુભાઈનો નંબર આપીને તેમને વાત કરવા કહ્યું. અમરસિંહ ચૌધરીએ દિવસમાં ત્રણ વખત એમ બે દિવસ સુધી ફોન કર્યા પણ દલુભાઈનો ફોન ઉપડ્યો નહિ. ગુસ્સે ભરાયેલા અમરસિંહે ફરી ચીમનભાઈને ફોન કર્યો અને કહ્યું, 'આ દલુભાઈ પોતાની જાતને શું મુખ્યમંત્રી સમજે છે? બે દિવસથી ફોન નથી ઉપાડતો.' ચીમનભાઈએ જવાબ આપ્યો, 'તમે ખોટા સમયે ફોન કર્યા હશે. સવારે દસથી એક અને સાંજે છ થી આઠ આ બે સમયે ફોન કરો એટલે તે ઉપાડશે. અને હા, તમે સાચું જ કીધું છે. દલુભાઈ દેસાઈ બનાસકાંઠાનો મુખ્યમંત્રી છે. તેની સાથે વાત કરતી વખતે આ વાત યાદ રાખજો.'

તો, રાજ્યના મુખ્યમંત્રીનું દલુભાઈ પ્રત્યેનું આ મૂલ્યાંકન હતું. કંઈક આવી જ સત્તા સાથે હવે દલુભાઈએ જિલ્લામાં એક સામાજિક ક્રાંતિની શરૂઆત કરી.

ગરીબો માટે નોકરીઓની ઐતિહાસિક ઝુંબેશ

તેમણે જિલ્લાના દરેક સરકારી, સહકારી અને પ્રાઇવેટ માળખામાં ગરીબ અને શોષિત લોકોની સમૂહ ભરતી શરુ કરી. આ ભરતીઓમાં ઘણીખરી અંડરગ્રાઉન્ડ માર્ગે હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોથી લઈને ગ્રામ પંચાયતો સુધીની દરેક સરકારી અને પંચાયતી રાજની કચેરીઓમાં પટાવાળા, હેલ્પર, ક્લાર્ક અને ગ્રામ સેવકોથી લઈને તલાટીઓ સુધીની અસંખ્ય ભરતીઓમાં અસંખ્ય ગરીબોને તેમની શૈક્ષણિક લાયકાત વગર નોકરીઓ આપવામાં આવી. તેમના પોતાના જગાણા ગામમાં તો તેમણે દરેક ઘર દીઠ એક સરકારી નોકરી આપી, ચાહે તે ઘર ચૌધરીનું હોય કે બ્રાહ્મણનું કે પ્રજાપતિ, સુથાર, પંચાલ, દલિત કે સફાઈદાર વર્ગનું - દરેક વર્ગને ઘર દીઠ એક વ્યક્તિને નોકરી આપવામાં આવી.

દલુભાઈનું ગરીબોને નોકરીઓ આપવાનું આ અભિયાન કેટલું તીવ્ર હતું એનો અંદાજો આ એક ઉદાહરણ પરથી આવી જાય છે. એકવાર એક વૃદ્ધ દલિત જિલ્લા પંચાયતમાં કોઈ સમસ્યા લઈને આવેલો અને એક અધિકારી સામે ઉભો ઉભો રડી રહ્યો હતો. એવામાં દલુભાઈ તેમના કેબિનમાંથી નીકળ્યા અને તેમણે એ વૃદ્ધને આજીજી કરતા જોયો. દલુભાઈ તેની પાસે ગયા અને સમસ્યા જાણી. તે બીમાર હતો અને ઘરમાં કમાવવાવાળું બીજું કોઈ હતું નહિ. તેની પાસે તેનો વીસ-બાવીસ વર્ષનો યુવાન છોકરો ઉભો હતો. દલુભાઈએ એ છોકરાને પૂછ્યું, 'કેટલું ભણ્યો છે લ્યા?' 'દસમું પાસ કર્યું હતું સાહેબ.' પેલા છોકરાએ જવાબ આપ્યો. દલુભાઈએ તેમના અધિકારીને કહ્યું, 'પેલા સામે બે ટેબલો ભેગા કરીને એક ટેબલ બનાવી જે ભાઈ બેઠા છે એમને કામનો લોડ વધારે છે. ત્યાંથી એક ટેબલ છૂટું પાડો અને સામે ખુરશી મૂકી આ છોકરાને ત્યાં બેસાડી દો અને એ ભાઈનું અડધું કામ આને શીખવાડી દો.'

બસ આ રીતે દલુભાઈ એ ગરીબોને નોકરીઓ આપી રહ્યા હતા. તેમની આ પધ્ધતિ સામે ઘણીવાર વિરોધના સ્વરો ઉભા થયા. પણ દરેક વખતે તેમણે પોતાના તર્કો વડે એ વિરોધ સ્વરોને ચૂપ કરાવ્યા. તેઓ કહેતા, 'આ દેશને આઝાદ થયે હજી ત્રીસ વર્ષ જ થયા છે અને આ દેશ ગરીબોથી અને અશિક્ષિતોથી ભર્યો પડ્યો છે. અત્યારથી જ જો તમે એવી જીદ કરશો કે ખાલી ઊંચી શૈક્ષણિક લાયકાતવાળાને જ નોકરી મળે તો તો એ બધી નોકરીઓ સમૃદ્ધ વર્ગને જ મળશે. એટલે શું આ ગરીબોની આવનારી પેઢીઓને પણ ભીખ માંગતા જોવી છે તમારે? એ બધા પણ માણસો છે. એમને કામ શીખવાડો એટલે એ શીખી જશે. એ લખતા વાંચતા જાણે છે એટલે ઘણું થઇ ગયું. આ નોકરીઓથી એમના ઘર ચાલવા દો અને એમના છોકરાઓને ભણવા દો જેથી કાલે એમના છોકરાઓ એ ડિગ્રીઓ લઈને તમારી સામે આવી શકે જે તમારે જોઈએ છે.'

એ કહેવું બહુ મુશ્કેલ છે કે દલુભાઈએ કેટલા લોકોને નોકરીઓ આપી હશે. પણ તે સમયના સાક્ષી રહેલા લોકો એ સંખ્યાને બે હજારથી ઉપર ગણાવે છે. પણ અહીં એ કહેવું જરૂરી છે કે એમણે જે પણ નોકરીઓ આપી એમાં અડધાથી વધારે નોકરીઓ ચૌધરીઓને આપવામાં આવી હતી. અને આ કારણે ઘણીવાર તેમના પર કોમવાદી હોવાના આક્ષેપો લાગ્યા.

અહીં દલુભાઈ વિરુદ્ધ ઈન્કવાયરી બેઠી અને ગાંધીનગરથી આઈએસ અધિકારીઓની એક ટીમ ઈન્કવાયરી માટે આવી. દલુભાઈએ તેમને લિસ્ટ બતાવ્યું અને કહ્યું, 'જુઓ, આ જુઆ, જુડાલ, કરેણ, કુનિયા, પટેલ, પરમાર, જેગોડા, મોર, પોપટ - આમાં એક પણ ચૌધરી દેખાય છે? આ બધી ફરિયાદો રાજનીતિથી પ્રેરિત છે.' ગાંધીનગરથી આવેલા પેલા આઈએસ અધિકારીઓ માટે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી કે આ બધી એક જ જાતિની અટકો છે. એમાં ચૌધરી અટકવાળા નામ તો બે-ત્રણ ટકા જ હતા. અધિકારીઓ ઈન્કવાયરી બંધ કરીને પાછા વળ્યા અને દલુભાઈ વિરુદ્ધના આરોપોને નિરાધાર બતાવ્યા. આ સિવાય દલુભાઈ ગ્રામ સેવકો અને તલાટીની ભરતી માટેનું એક વેઇટિંગ લિસ્ટ પણ મૂકી ગયેલા જેમાં ચૌધરીઓ અને પછાત વર્ગના લોકો મોટી સંખ્યામાં હતા. એ લિસ્ટ તો છેક દલુભાઈના રાજકીય સન્યાસ પછી ખુલ્યું અને તે સમયે ચાલીસીએ પહોંચેલા અને ખેતી કરતા અનેક ચૌધરીઓ અને પછાત વર્ગના લોકો રાતોરાત તલાટી અને ગ્રામસેવક બની ગયા.

દલુભાઈ પાસે તેમના આ જાતિવાદી નિર્ણયોને પણ ન્યાયસંગત બતાવવા માટેના તર્કો હાજર રહેતા. તેઓ કહેતા, 'ભૂતકાળમાં આવેલા સમૃદ્ધ જાતિઓના નેતાઓએ આ જ કર્યું છે અને સમાજના એક બહુ મોટા હિસ્સાને પછાત બનાવી રાખ્યો છે. જેમ ઝેરથી જ ઝેર શમે છે તેમ રાજકીય જાતિવાદથી ઉભું થયેલું સામાજીક અસંતુલન શરુઆતમાં શોષિત વર્ગના જાતિવાદથી જ નાશ પામી શકે છે. આજસુધી જે પણ ગરીબ અને જરૂરતમંદ મારી પાસે આવ્યો છે તેને મેં તેની જાતિ જોયા વગર મદદ કરી છે. પણ ચૌધરી આ જિલ્લાની ૩૦ ટકા ઉપરની વસ્તી છે. અને જો કોઈ એક જાતિને ઉપર લાવવાથી સમાજના ૩૦ ટકા ગરીબો એકસાથે ઉપર આવી શકતા હોય તો એ કામ પહેલા કરવું એ જ સાચી વ્યવહારિકતા છે. એમાં વળી હું પોતે પણ ચૌધરી છું એટલે તેમની પરિસ્થિતિ અને સમસ્યાઓને વધુ સારી રીતે જાણું છું. આ સમગ્ર જિલ્લાની પ્રજા મારા માટે સમાન છે. પણ સમાજમાં સમાનતા લાવવાનું વિરાટ કાર્ય ટુકડાઓમાં વહેંચીને કરવું પડે છે અને ચૌધરીઓનું ઉત્થાન એ આ વિરાટ કાર્યનો સૌથી મોટો ભાગ છે.'

તેમના આ શબ્દો કોઈ ખોખલી લિતા-પોતી નથી એ વાતના પુરાવા રૂપે આજે પણ જિલ્લા પંચાયત, બનાસ ડેરી અને અન્ય સરકારી કચેરીઓમાં ચૌધરી સિવાયની જાતિના એવા અનેક લોકો મળી જાય છે જેમના પર્સમાં દલુભાઈ દેસાઈનો ફોટો હોય છે, કારણ કે વર્ષો પહેલા દલુભાઈએ જ તેને નોકરી આપી જીવન નિર્વાહનું સાધન આપ્યું હતું. આજે પણ પશ્ચિમ બનાસકાંઠાના ઘણા ઘર એવા છે જ્યાં ભગવાનોના ફોટા સાથે દલુભાઈનો પણ ફોટો લાગેલો છે અને રોજ તેના સામે અગરબત્તી થાય છે. આ એક વાસ્તવિક સ્થિતિ છે. એકવાર જયારે દલુભાઇ ને પૂછવામાં આવેલું કે 'તમે આ જીલ્લા માટે આટલું કર્યું હોવા છતાં તમારું કોઈ સ્મારક કેમ નથી બનાવડાવતા?' તો દલુભાઇ એ જવાબ આપ્યો, "જે હજારો લોકોને મેં નોકરી આપી છે તેમનાથી અને તેમના ડોક્ટર અને એન્જીનીઅર છોકરાઓથી જયારે આ સમાજ ભરાય ત્યારે એ શિક્ષિત અને સમૃદ્ધ સમાજને જ મારું સ્મારક ગણજો."

“જે હજારો લોકોને મેં નોકરી આપી છે તેમનાથી અને તેમના ડોક્ટર અને એન્જીનીઅર છોકરાઓથી જયારે આ સમાજ ભરાય ત્યારે એ શિક્ષિત અને સમૃદ્ધ સમાજને જ મારું સ્મારક ગણજો.”— દલુભાઈ સવજીભાઈ દેસાઈ

જિલ્લાના વિકાસ કાર્યો અને રાજકીય સંઘર્ષ

ગરીબોની સમૂહ ભરતી સિવાય બીજા પણ અનેક જનહિતના મુદ્દાઓ પર દલુભાઈએ ધ્યાન આપ્યું. પશ્ચિમ બનાસકાંઠાનો મોટો ભાગ કચ્છના રણને જોડાયેલો હોવાથી સૂકો અને ખારો પ્રદેશ હતો. અહીંના લોકોને પીવાનું શુદ્ધ મીઠું પાણી હજી સુધી નસીબ નહોતું થયું અને આગળના કોઈ નેતાઓએ આ માટે કંઈ કર્યું પણ નહોતું. દલુભાઈએ આ માટે પ્રયાસો હાથ ધર્યા અને પૂર્વ બનાસકાંઠાથી પશ્ચિમ બનાસકાંઠાના છેવાડાના પ્રદેશ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડતી એક લાંબી પાઈપલાઈન નખાવી જે આજે પણ પશ્ચિમ બનાસકાંઠાના લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ સાથે તેમણે પશ્ચિમ જિલ્લામાં સિંચાઇનું પાણી પહોંચે એ માટે પણ મુખ્યમંત્રી પાસેથી મંજૂરી લઇ નહેરનું કામ ચાલુ કરાવી દીધું. પણ પશ્ચિમના એ અશિક્ષિત ખેડૂતોને નહેરનું પાણી સિંચાઈ માટે મળશે તો તેમની સમૃદ્ધિ વધી જશે અને પોતાનો ધંધો બંધ થઇ જશે એવું જાણીને પશ્ચિમ જિલ્લાના વણિકોએ એ ખેડૂતોને ભડકાવ્યા. તેમણે ખેડૂતોને કહ્યું કે આ નહેર અહીંયા આવી તો નહેર માટે સરકાર તમારી જમીન લઇ લેશે અને તમે રસ્તા પર આવી જશો. ગેરમાર્ગે વળેલા એ ખેડૂતોએ દલુભાઈ જયારે ત્યાં એક સભા સંબોધવા ગયા ત્યારે જૂતાંનો હાર બાંધીને વિરોધ કર્યો. ગુસ્સે ભરાયેલા દલુભાઈ 'તમે આના જ લાયક છો' એમ કહી ત્યાંથી નીકળી ગયા અને નહેરનું કામ બંધ કરાવી દીધું. એ સમયે રહી ગયેલું એ કાર્ય ૩૦ વર્ષ પછી છેક હમણાં ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ કેનાલ પહોંચાડી પૂરું કર્યું.

ઇતિહાસના આ જ સમયગાળા દરમિયાન દલુભાઈના વ્યક્તિત્વની પ્રચંડ નિઃસ્વાર્થતા પણ બહાર આવી. ૧૯૭૭માં મોરારજી દેસાઈની જનતાદળવાળી સરકાર આવતા નીચે જિલ્લા પંચાયતોમાં બેઠેલા કોંગ્રેસી પ્રમુખોને હેરાન કરવામાં આવવા લાગ્યા. તેમની યોજનાઓને અને તે માટે આવતી ગ્રાન્ટને રોકી દેવામાં આવતી. આ કારણે દલુભાઈની જિલ્લાના લોકો માટે શરુ કરેલી પાણીની પાઈપલાઈન જેવી ઘણી યોજનાઓમાં અડચણો આવવા લાગી. આથી, પ્રજાહિતના કાર્યોમાં કોઈ અડચણ ન આવે અને ચાલુ કરેલી યોજનાઓ સારી રીતે પાર પડી શકે તે માટે દલુભાઈ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી જનતાદળમાં જતા રહ્યા. ૧૯૮૦ મા જનતાદળ હારતા અને ઇન્દિરા ગાંધી ફરી સરકાર બનાવતા દલુભાઈ પાછા કોંગ્રેસમાં આવી ગયા. દલુભાઈના આ નિર્ણયને તેમની સૌથી મોટી રાજકીય ભૂલ માનવામાં આવે છે.

આ ભૂલ કંઈક આ રીતે નડેલી. આપણે આગળ વાત કરી કે દલુભાએ બીકે ગઢવીને સંસદ સભ્ય બનાવી દિલ્લી મોકલ્યા. પણ દિલ્લી પહોંચીને બીકે ગઢવીએ માધવરાવ સિંધિયા અને ગુજરાતના માધવસિંહ સોલંકી જેવા મોટા નેતાઓ સાથે સબંધો ઉભા કર્યા અને દેશના રાજ્યકક્ષાના નાણાંમંત્રી પણ બન્યા. આથી ઉપરના સ્તરે કોંગ્રેસમાં બીકે ગઢવીની લોબી મજબૂત બની. હવે એમને ટિકિટ મેળવવા દલુભાઈની જરૂર નહોતી. પણ જિલ્લાની પ્રજા દલુભાઈના હાથમાં હતી એટલે બીકે ગઢવીએ સ્થાનિક સ્તરે દલુભાઈના નેતાઓ સામે પોતાના નેતાઓ પણ તૈયાર કરવા લાગ્યા અને એમાં સફળ થયા. બીજી બાજુ પક્ષપલટાના કારણે દિલ્લીમાં દલુભાઈની છબી ખરડાઈ અને બીકે ગઢવીની વિશ્વસનીયતા વધી. આથી ૧૯૮૦, ૮૪ અને ૮૯ એ ત્રણેય વખતે કોંગ્રેસ તરફથી બનાસકાંઠાની સંસદ સભ્ય માટેની ટિકિટ બીકે ગઢવીને મળી જેમાં ૮૦ અને ૮૪ માં તે ચૂંટણી જીત્યા પણ ખરા. પણ ૧૯૮૯ ની લોકસભાની ચૂંટણીમાં બીકે ગઢવી સામે જનતા દળની ટિકિટ જે.વી. શાહને મળી. દલુભાઈએ બીકેને કાબુમાં કરવા જિલ્લાના લોકોને જે.વી. શાહને વોટ આપવા કહ્યું. પરિણામે દલુભાઈની ઈચ્છા મુજબ બીકે ગઢવી હાર્યા અને જે.વી. શાહ જનતાદળની સરકારમાં સંસદસભ્ય બન્યા. પણ જે.વી. શાહે પણ બીકે ગઢવીની જેમ ઉપર જતા જ દલુભાઈના સામ્રાજ્યને તોડવાની કોશિશો કરી.

આમ, જનહિતના કાર્યો માટે પણ પક્ષપલટો કરવાનો નિર્ણય દલુભાઈને રાજકીય રીતે ભારે પડ્યો. આજે જયારે નેતાઓ પોતાની જાતિની બહુમતીનો લાભ ઉઠાવીને સંસદસભ્યની ટિકિટ લેવા પડાપડી કરે છે ત્યારે દલુભાઈએ એ જાતિ અને સમગ્ર સમાજની સેવા કરવા પોતાના નામે આવેલી એ ટિકિટને હંમેશા જતી કરી. આજે જયારે નેતાઓ એક પક્ષની ટિકિટ ન મળે એટલે બીજા પક્ષની ટિકિટ લેવા પક્ષપલટો કરે છે ત્યારે દલુભાઈએ જનહિતના કાર્યોમાં કોઈ ખલેલ ન પહોંચે એ માટે પક્ષપલટો કરીને પાર્ટીમાં પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યું હતું. આ હતી દલુભાઈ દેસાઈની નિઃસ્વાર્થતા.

એકવાર, ચીમનભાઈએ કહેલું કે, "દલુભાઈ જેટલા મહાન નેતાને હું હંમેશા રાષ્ટ્રીય ફલક પર જોવા માંગતો હતો. પણ તેમનામાં રહેલી નિઃસ્વાર્થતા અને વૈરાગી માનસિકતાને હું ક્યારેય નાથી ના શક્યો. હું જેટલીવાર એમને કહેતો કે આ વખતે લોકસભા લડી લો, તો એ કહેતા કે પૈસા નથી ચૂંટણી લડવાના. હું કહેતો કે પૈસા હું મોકલું, તો વાતને એમ કહીને ટાળી દેતા કે 'હું હારી જઈશ તો તમારા પૈસા ડૂબી જશે.' જે માણસના કહેવાથી જિલ્લાના ધારાસભ્યો અને સંસદસભ્યો ચૂંટાતા હોય તે આવી વાત કરે એ મારા માટે એક રહસ્ય હતું. પાછળ જતાં હું સમજ્યો કે અસલમાં એ માણસ નેતાના વેશમાં એક સંત છે. એક વૈરાગી જે નેતા બનીને કંઈક કરવા આવ્યો છે અને એ પતાવીને જલ્દીમાં જલ્દી ઘરે જતો રહેવા માંગે છે."

“પાછળ જતાં હું સમજ્યો કે અસલમાં એ માણસ નેતાના વેશમાં એક સંત છે. એક વૈરાગી જે નેતા બનીને કંઈક કરવા આવ્યો છે અને એ પતાવીને જલ્દીમાં જલ્દી ઘરે જતો રહેવા માંગે છે.”— ચીમનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત

બનાસ ડેરીનું પુનરુત્થાન

હવે પાછા ફરીએ પક્ષપલટો કરી કોંગ્રેસમાં પાછા ફર્યા તે પછીના તરતના સમયમાં જ્યાં ૧૯૮૨ માં દલુભાઈના માથે નવું કામ આવી પડ્યું. ગલબાકાકા દ્વારા શરુ કરાયેલી બનાસ ડેરી ગલબાકાકાના ગયા પછી ગેર-સંચાલનના કારણે દેવામાં ડૂબી ગઈ. ડેરીનો કોઈ નફો નહોતો પણ ડેરી ચાલુ છે એવું કહેવા માટે એક પટાવાળાના પગાર જેટલો મહિને હજાર રૂપિયાનો નફો બતાવવામાં આવી રહ્યો હતો. આખરે, ડેરીના બીજા ચેરમેને રાજીનામુ આપ્યું અને ડેરી બંધ કરવાનો સમય આવ્યો. એ સમયે જિલ્લાના અનેક ગરીબો અને વિધવા સ્ત્રીઓનું ગુજરાન પશુપાલન પર નભતું હતું. આથી, જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો છેલ્લા ઉપાય તરીકે દલુભાઈ પાસે આવ્યા અને તેમને કંઈક ઉપાય કરવા વિનંતી કરી. દલુભાઈએ ડૂબેલી ડેરીના ચેરમેન બનવાનું એ શરતે સ્વીકાર્યું કે તે એક સરમુખત્યારની જેમ નિર્ણય લેશે અને તેમના કોઈ નિર્ણયનો વિરોધ કરવામાં નહિ આવે. પશુપાલકોએ એ શરત માન્ય રાખતા દલુભાઈ બનાસડેરીના ત્રીજા ચેરમેન બન્યા.

બનાસ ડેરીના ચેરમેન તરીકે દલુભાઈ દેસાઈ — ૧૯૮૨ થી ૧૯૯૧ દરમિયાન ડેરીને દેવામાંથી ઉગારી નફાકારક સંસ્થા બનાવી.
બનાસ ડેરીના ચેરમેન તરીકે દલુભાઈ દેસાઈ — ૧૯૮૨ થી ૧૯૯૧ દરમિયાન ડેરીને દેવામાંથી ઉગારી નફાકારક સંસ્થા બનાવી.

તેમણે જિલ્લાની સહકારી બેન્કના ચેરમેનને બનાસ ડેરીના નામે એક કરોડની લોન પાસ કરવા કહ્યું. ચેરમેને આટલી મોટી લોન આપવાની આનાકાની કરી. દલુભાઈએ કહ્યું, 'આજે શુક્રવાર છે. આવતા શુક્રવાર સુધીમાં કાંતો લોન પાસ કરો, નહિતર અહીંયા એક નવો ચેરમેન આવશે જે આ લોન પાસ કરશે.' અંતે, એ ચેરમેન ન માનતા દલુભાઈએ પોતાની રાજનૈતિક શક્તિ વાપરી એ સહકારી બેન્કના ચેરમેનને રાજીનામું અપાવડાવી જે. વી. શાહને બનાસ મધ્યસ્થ બેન્કના નવા ચેરમેન બનાવ્યા અને ડેરીના નામે એક કરોડની લોન પાસ કરાવી. એ મૂડીથી તેમણે ડેરીનું દેવું ચૂકતે કર્યું, નવી મશીનરી વસાવી અને જુના સ્ટાફમાંથી ભ્રષ્ટ લોકોને કાઢી દઈ તેમના વિશ્વાસુ હોય તેવા નવા માણસોની ડેરીમાં ભરતી કરી. તેમણે ડેરીના વહીવટને કોઈપણ જાતની સક્રિય રાજનીતિથી દૂર રાખ્યો. તેમણે દૂધ મેળવવાની, સંગ્રહિત કરવાની અને પ્રોસેસિંગ તથા પેકિંગ કરવાની પ્રક્રિયાને એક સુવ્યવસ્થિત માળખામાં ગોઠવી. તેમણે ગામે ગામ પશુપાલન વિશે જાગૃતિ અને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ ચલાવ્યા જેથી ડેરીમાં દૂધનું કલેક્શન વધવા લાગ્યું. આ રીતે ૧૯૯૧ સુધીમાં ડેરીનું દૂધ કલેક્શન રોજના ૫૦,૦૦૦ લિટરે પહોંચ્યું. આમ, દલુભાઈએ બનાસ ડેરીને ના ખાલી ડૂબવાથી બચાવી પણ તેને ધમધોકાર નફો કમાતી સફળ સંસ્થા બનાવી.

૧૯૯૧ માં જયારે દલુભાઈને લાગ્યું કે હવે તેમનું કામ થઇ ગયું છે ત્યારે તેમણે ડેરીના ડિરેકટરોની એક મિટિંગ બોલાવી અને પોતાના રાજીનામાની ઘોષણા કરી એક ડિરેક્ટરના પદે રહેલા પરથીભાઇ ભટોળને ડેરીના નવા ચેરમેન તરીકે બેસાડી દીધા. પરથીભાઇ તે વખતે એ જવાબદારી માટે તૈયાર નહોતા. તે તેમનો કન્સ્ટ્રક્શનનો ધંધો આગળ ધપાવવા માંગતા હતા. પણ દલુભાઈએ તેમને એ રીતે જ મનાવી લીધા જેમ ગલબાકાકાએ દલુભાઈને વકીલાત છોડવા મનાવી લીધા હતા. આમ, જયારે તેમને લાગ્યું કે તેમની જવાબદારી પુરી થઇ છે ત્યારે તેમણે વડગામ તાલુકાના નેતાને જ પોતાના અનુગામી તરીકે બેસાડી ગલબાકાકાનો વારસો આગળ ધપાવવાનો માર્ગ આપ્યો હતો. એટલું જ નહિ દલુભાઈ પરથીભાઈને પણ જોઇતાભાઈ અને પરબતભાઇ સાથે દિલ્લી લઇ ગયેલા અને બલરામ જાખડ સાથે ત્રણેયનો પરિચય કરાવીને કહેલું, 'હું હવે નિવૃત્તિના આરે છું. પણ તમારે આ ત્રણ છોકરાઓને મારા અનુગામી તરીકે ટિકિટ આપવાની છે.' દલુભાઈએ દરેક પદને પોતાનું કામ પૂરું થતા સ્વેચ્છાએ છોડ્યું અને ક્યારેય પોતાના અનુગામી તરીકે પોતાના ઘરમાંથી કોઈને બેસાડવાની કોશિશ ના કરી. પરથીભાઇ ભટોળ ૨૪ વર્ષ સુધી બનાસ ડેરીના ચેરમેન રહ્યા અને બનાસ ડેરીને રોજના ૪૦ લાખ લીટર કરતા વધારે દૂધ ભેગું કરતી એશિયાની સૌથી મોટી ડેરી બનાવી. પરથીભાઈએ અનેકવાર પોતાના પ્રવચનોમાં બેધડક કહ્યું, 'દલુભાઈ હોય અને આ ડેરી બચે. જો દલુભાઈ ન હોત તો આ ડેરી પણ ના હોત.' જ્યાં સુધી દલુભાઈ જીવ્યા ત્યાં સુધી કોઈ પદ પર ન હોવા છતાં તેમણે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે ડેરીમાં રાજકીય પક્ષોની રાજનીતિ ના ઘૂસે.

રાજકીય પ્રભુત્વ અને દૂરંદેશી

ડેરીના ચેરમેન પદ દરમિયાન અને તે પછી દલુભાઈ ગુજરાત વીજ બોર્ડના ડિરેક્ટર પણ રહ્યા. આ ૧૯૯૦ ના દશકની શરૂઆત હતી. દેશમાં અને ગુજરાતમાં રામમંદિરના મુદ્દા સાથે બીજેપીનું ઉત્થાન થઇ રહ્યું હતું. બીજેપી ગુજરાતમાં નેતાઓ શોધી રહી હતી. એવામાં બીજેપીના મુખ્ય નેતા કેશુભાઈ પટેલ દલુભાઈને મળવા તેમના ઘરે આવ્યા. કેશુભાઈએ દલુભાઈને બીજેપીમાં જોડાવવા આગ્રહ કર્યો અને કહ્યું કે દલુભાઈ બનાસકાંઠામાં જ નહિ સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો હશે. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના તમામ ઉમેદવારો દલુભાઈ જ નક્કી કરશે.

પણ દલુભાઈએ કેશુભાઈને બે કારણ આપી ના પાડી. તેમણે કહ્યું, 'કેશુભાઈ પહેલા તો મને તમારું આ ભગવાવાળું નહિ ફાવે. હોઈ શકે તમારી નીતિ આગળ જતા વિસ્તરે અને તમે સફળ થાઓ. પણ આજના તમારા આ નકારા ભગવા વાદથી હું મારી જાતને જોડી શકતો નથી. અને આમ પણ મારા આગળના પક્ષપલટાને પણ લોકો પૂરો સમજી શક્યા નથી અને આ બીજો પક્ષપલટો કરીને હું તેમના આક્ષેપોને સાચા સાબિત કરવા નથી માંગતો.'

કેશુભાઈની ઓફર ઠુકરાવ્યા છતાં અંગત રીતે દલુભાઈ અને કેશુભાઈના સબંધો મૈત્રીપૂર્ણ રહેલા. આગળ જતા એકવાર શંકરસિંહ વાધેલા જયારે રાધાનપુરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે બીજેપી તેમની સામે નવોદિત સ્થાનિક નેતા શંકરભાઇ ચૌધરીને ટિકિટ આપવાનું વિચારી રહી હતી. પણ એ નિર્ણય કરતા પહેલા કેશુભાઈએ દલુભાઈને ફોન કરેલો કે શું તેમની પાર્ટી સાચું કરી રહી છે? એ દલુભાઈ જ હતા જેમણે કહેલું કે 'નિર્ણય બિલકુલ સાચો છે. એ છોકરો જીતશે નહિ પણ શંકરસિંહને પુરી ટક્કર આપશે અને તમને એક ભવિષ્યનો નેતા મળશે. ટિકિટ એને જ આપો.'

કેમ કેશુભાઈ દલુભાઈને ફોન કરતા હતા અને કેમ ચીમનભાઈ તેમને આટલું માનતા હતા એ અહીં સમજી લેવું જરૂરી છે. દલુભાઈની ચૌધરી સમાજ પરની મજબૂત પક્કડ બનાસકાંઠાથી લઈને મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને ખેડા સુધી ફેલાયેલી હતી. ચીમનભાઈ આ દરેક જિલ્લામાંથી મત મેળવવા દલુભાઈનો પૂરો ઉપયોગ કરતા અને દલુભાઈ સમાજહિતના કાર્યો માટે ચીમનભાઈનો ઉપયોગ કરતા. સાબરકાંઠાના ચૌધરી પટેલોમાં પણ દલુભાઈ પ્રત્યે ભરપૂર લગાવ હતો અને ત્યાંના રાજકારણમાં દલુભાઈની સારી એવી દખલ પણ રહેતી. આજે સમગ્ર દેશમાં સમૃદ્ધ ગામ તરીકે સાબરકાંઠાનું જે પુંસરી ગામ ચર્ચામાં છે એ ગામની રાજનીતિ વર્ષો સુધી દલુભાઈએ બનાસકાંઠામાં બેઠા બેઠા હેન્ડલ કરેલી. પુંસરીના વિસ્તારમાં અન્ય જાતિઓ આંજણા પટેલો કરતા વધુ વગદાર હતી. પણ દલુભાઇ દર વખતે પાર્ટીના મોટા માથાઓ દ્વારા ઉપરથી કંઇક એવી પિન મારતા કે ગામના સરપંચ માટે કોંગ્રેસની ટિકિટ નટુભાઈને જ મળતી અને કોંગ્રેસની વોટબેન્કના આધારે એ દરેક વખતે સરપંચ બનતા. લગભગ બે દશક સુધી દલુભાઈએ નટુભાઇ અને તેમના પુત્રને સરપંચ બનવામાં મદદ કરી. અને દલુભાઈનો તેમના પરનો વિશ્વાસ સાચો ઠર્યો. નટુભાઈ અને તેમના વંશજોએ પુંસરીના વિકાસને સમગ્ર ભારતમાં એક મોડલ બનાવ્યો. આજે પણ વિવિધ ટીવી કાર્યક્રમોમાં પુંસરીના સરપંચ તરીકે આપણે જે હિમાંશુભાઈ પટેલને જોઈએ છીએ તે એ જ નટુભાઈના પૌત્ર છે. આ રીતે દલુભાઈની રાજકીય ક્ષમતા બનાસકાંઠાથી ઘણી દૂર સુધી ફેલાયેલી હતી પણ તેમણે બનાસકાંઠાની ધરતી અને ત્યાંના લોકોને છોડી આગળ જવાનું ભાગ્યે જ વિચાર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વમાં પણ પૂર્વ લોકસભા સ્પીકર બલરામ ઝાખડ સાથે દલુભાઈના સબંધો ચીમનભાઈ જેવા જ ઘનિષ્ઠ રહેલા.

OBC અનામત અને રાયડા રિફાઇનરીની ભેટ

90 નો દશક દલુભાઈના રાજકીય જીવનનો ઉત્તરાર્ધ હતો. અને આ ઉત્તરાર્ધમાં પણ સમાજને દલુભાઈ દેસાઈ તરફથી બે મોટી ભેંટો મળી. અત્યાર સુધી દલુભાઈએ તેમના ચૌધરી સમાજને નોકરીઓ અને નેતાઓ આપ્યા હતા પણ બનાસકાંઠાનો ચૌધરી સમાજ શિક્ષણની બાબતમાં એવોને એવો પછાત હતો. ૧૯૮૯ માં વીપી સિંહ દ્વારા મંડળ કમિશન લાગુ કર્યાં બાદ મહેસાણામાંથી ચરાડા ગામના હરિભાઈ ચૌધરી સમાજને ઓબીસી જાતિઓમાં સમાવવા પ્રયાસો કરી રહ્યા હતા. પણ હજી તેમને સફળતા મળી નહોતી. આથી, હવે આ વાતનું બીડું પણ દલુભાઈએ ઉપાડ્યું. તેમના ગાઢ મિત્ર ચીમનભાઈ પટેલ ૯૦ ના દશકની શરૂઆતમાં ફરી મુખ્યમંત્રી બની ચુક્યા હતા. દલુભાઈએ બનાસકાંઠામાંથી તેમના દ્વારા તૈયાર થયેલ નેતા ભેમાભાઈ પટેલને બનાસકાંઠામાંથી પણ ચૌધરીઓની ઓબીસીની માંગ કરતુ અભિયાન શરુ કરી ચરાડાવાળા હરિભાઈ સાથે જોડાવા કહ્યું. બક્ષીપંચ બોર્ડનો રિપોર્ટ પણ ચૌધરીઓને અનામત આપવાની તરફેણમાં હતો. વાત બાકી હતી સરકાર પાસે નિર્ણય લેવડાવવાની. એ માટે દલુભાઈ ચીમનભાઈ પર સતત દબાણ વધારી રહ્યા હતા. અંતે તેમણે એકવાર ચીમનભાઈને ફોન કરીને કહ્યું, 'તમને મનાતું ના હોય તો તમે એકવાર અહીંયા આવો. હું તમને દેખાડું કે ચૌધરીઓ કેવી રીતે જીવી રહ્યા છે?' ચીમનભાઈએ કહ્યું, 'મારે ત્યાં નથી આવવું તમે અહીંયા ગાંધીનગર આવી જાઓ.' ૧૯૯૪-૯૫ ની એ સાલ હતી. દલુભાઈ ચીમનભાઈને મળ્યા ત્યારે ચીમનભાઈએ ચૌધરીઓને ઓબીસી અનામત આપતા દસ્તાવેજ પર સહી કરી દીધેલી હતી. ચીમનભાઈએ કહ્યું, 'તમારા સમાજને બોલાવો. આપણે આ જાહેરાત કરવાની છે.' કેટલાક દિવસો પછી રાજયના સમગ્ર ચૌધરી સમાજના આગેવાનોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા અને અનામતની જાહેરાતનો એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ચીમનભાઈ બધા વચ્ચે ચૌધરીઓના અનામતનો બધો શ્રેય દલુભાઈને આપી તેમને હીરો બનાવવા માંગતા હતા. પણ દલુભાઈ જાણે ચીમનભાઈની મનની વાત જાણી ગયા હોય તેમ જાણી જોઈને એ જ દિવસે બોડી ચેકપ માટે મુંબઈ જતા રહ્યા. ચીમનભાઈએ કાર્યક્રમમાં ચૌધરીઓને કહ્યું, 'ક્યાં ગયા તમારા એ બોસ?' આજે ચૌધરીઓને અનામત મળવા માટેનો મોટો શ્રેય સમાજના ભામાશા કહેવાતા ચરાડાવાળા હરિભાઇને જ મળે છે, જે સાચું પણ છે. પણ દલુભાઈએ અંદરખાનેથી કઈ રીતે કાર્ય કર્યું હતું એની બહુ જૂજ લોકોને ખબર છે. આ દલુભાઈની એ બાજુ હતી જેના માટે ચીમનભાઈએ તેમને 'નેતાના વેશમાં સંત' કહ્યા હતા.

અને ત્યારબાદ આવી દલુભાઈની બનાસકાંઠાને આખરી ભેંટ. બનાસકાંઠા રાઈના ઉત્પાદનમાં આગળ પડતો જીલ્લો હતો. પરંતુ, ખેડૂતોને પોતે ઉગાડેલી રાઇ વેચવા માટે જગ્યાએ જગ્યાએ નાની ઓઈલ મીલો આગળ ફરવું પડતું. આ ઓઈલ મીલો ખેડૂતો પાસેથી રાઈ ખરીદી તેનું તેલ કાઢી તે તેલ ઊંચા ભાવે તે જ ખેડૂતોને વેચતી. વળી આ તેલની ગુણવત્તા પણ ઊંચી કક્ષાની ના હોતી. 68 વર્ષની ઉંમરે પહોંચેલા અને શારીરિક રીતે અસ્વસ્થ રહેતા દલુભાઈએ અહીં પણ ખેડૂતો માટે કંઈક કરવાનું વિચાર્યું. તેઓ આણંદ જઈને ડો. વર્ગીસ કુરિયનને મળ્યા. તેમણે ડો. કુરિયન સામે બનાસકાંઠામાં ખેડૂતોની એક સહકારી ઓઈલ મીલ સ્થાપવાનો વિચાર મુક્યો અને તેના માટે ડો. કુરિયનના ચેરમેન પદ હેઠળ રહેલા NDDB માંથી આર્થિક મદદ આપવા ડો. કુરિયનને મનાવી લીધા. ત્યારબાદ દલુભાઈ તેમના મિત્ર ચીમનભાઈ પટેલને મળ્યા જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા (1993માં). ચીમનભાઈએ તેમના મિત્રને બનાસકાંઠાના બાદરપુરા ગામ સ્થિત આશરે પચાસ એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચોરસફૂટના ભાવે આપી દીધી. આમ એ જમીન પર NDDB ના આર્થિક સહયોગથી એશિયાની સૌથી મોટી રાયડા રિફાઇન ઓઈલ મીલ બની જે 1996 માં લોકાર્પિત કરવામાં આવી. આ ઓઈલ મીલ એટલી વિશાળ હતી કે તેમાં દિવસના પાંચ લાખ ટન રાયડા ઓઈલનું ઉત્પાદન થઇ શકતું. દલુભાઈ દેસાઈ આ બાદરપુરા મીલના અને ગુજરાત તેલીબિયાં સંઘ (GROFED) ના ચેરમેન બન્યા.

રાજકીય સંન્યાસ અને અંતિમ દિવસો

પરંતુ, હવે દિવસે ને દિવસે દલુભાઈની તબિયત વધારે બગડવા લાગી. એમની પ્રોસ્ટેટની સમસ્યા વધવા લાગી. થોડાક જ સમયગાળામાં એમના ત્રણ ઓપરેશન થયા. તેમની બીમારીના આ દિવસો દરમિયાન ઓઇલમીલના એક મેનેજરે ઓઈલ ભરેલું એક ટેન્કર છુપી રીતે વેચી દીધું. દલુભાઈના વિરોધીઓએ તેમને આ કાંડમાં સંડોવવાની કોશિશો કરવા લાગી. દલુભાઈએ પોતાની આજીવન બેદાગ રહેલી છબીને જાળવી રાખવાના ઉદેશ્યથી મીલ અને GROFED ના ચેરમેન પદેથી અને અન્ય જાહેર તથા શૈક્ષણિક સંસ્થાઓના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું.

હવે, ચીમનભાઈએ દલુભાઈને કહી દીધું કે તમારા સૂત્રોને ગતિમાન કરી દો આ વખતે લોકસભા જવાનું છે. દલુભાઈએ ફરી કહ્યું, 'હારી જઈશ તો?' ચીમનભાઈએ કહ્યું, 'તો રાજ્યસભામાં મોકલીશ પણ હવે અહીંયા રહેવાનું નથી.' હવે દલુભાઈને પણ લાગતું હતું કે તે જિલ્લા માટે જેટલું કરી શકતા હતા એટલું કરી ચુક્યા છે. તેમણે ચીમનભાઈની વાત માની લીધી. પણ કદાચ નસીબને તેમની આ મંજૂરી પસંદ નહોતી. લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ ચીમનભાઈ ચાલુ મુખ્યમંત્રી કાળમાં મૃત્યુ પામ્યા. દલુભાઈ માટે આ રાજકીય કરતા અંગત જીવનનો સૌથી મોટો ઝટકો હતો.

લોકસભાની ચૂંટણી આવી ત્યારે બીકે ગઢવીએ દોડમાં ઝંપલાવ્યું અને બે મહિના સુધી દિલ્લીમાં રહીને ટિકિટ માટે લોબિંગ કર્યું. દિલ્લીથી બલરામ ઝાખડે દલુભાઈને દિલ્લી આવીને બધાને મળવા કહ્યું. પણ દલુભાઈએ ના પાડીને કહ્યું, 'હું અહીંયા બેસીને જે છું એ જ સાચો છું. ટિકિટ મળવી હોય તો એના પર જ મળવી જોઈએ.' ચીમનભાઈના ગયા પછી તેમના પત્ની ઉર્મીલાબેને દલુભાઈ માટે લોબિંગ કર્યું. ગુજરાત કોંગ્રેસની બધી લોકસભાની ટિકિટો અપાઈ ગઈ પણ બનાસકાંઠાની ટિકિટ પરનો સસ્પેન્સ લંબાતો રહ્યો. અંતે માધવસિંહ સોલંકીની બીકે ગઢવીને ટિકિટ ન અપાય તો પાર્ટી છોડી દેવાની ધમકી સામે કોંગ્રેસ હાઈકમાન ઝૂક્યું. બીકે ગઢવીને બનાસકાંઠાની અને દલુભાઈને સાબરકાંઠાની ટિકિટ આપવામાં આવી. પણ દલુભાઈએ સાબરકાંઠાથી લડવાની ના પાડી દીધી. તેમણે નક્કી કર્યું કે બીકેના સામે જે પણ ઉભું રહેશે તે એને જીતાડશે.

એવામાં બનાસકાંઠાની બીજેપીની ટિકિટ હરિભાઈ ચૌધરી નામના એક નવા નેતાને મળી જે દલુભાઈના ગામના જ હતા. દલુભાઈએ જિલ્લાભરમાં રહેલા પોતાના તમામ સંપર્કોને હરિભાઇને વોટ આપવા કહ્યું. દલુભાઈ હવે હરિભાઇને તૈયાર કરવા લાગ્યા. તેઓ ઘણીવાર રાતે બાર વાગે પણ હરિભાઈના ઘરે જતા અને સવારે ભાષણમાં શું કહેવું અને શું ના કહેવું એનું માર્ગદર્શન આપતા. એ દિવસોમાં દલુભાઈએ એટલા ફોન કરેલા કે તેમના ઘરનું લોકલ લેન્ડલાઈન ફોનનું બિલ સોળ હજાર રૂપિયા આવેલું. દલુભાઈની આ મહેનત, અટલ બિહારી વાજપાઈનું નામ અને બીજેપીમાંથી પહેલો ચૌધરી ઉમેદવાર - આ ત્રણ પરિબળો ભેગા થતા ચૂંટણીમાં હરિભાઈની આસાન જીત થઇ. બીકે ગઢવીની આ છેલ્લી હાર અને હરિભાઈની જીત સાથે દલુભાઈએ અઢી દાયકાના પોતાના સમાજસેવી રાજકીય જીવનને હંમેશા માટે સમેટી લીધું. બનાસકાંઠાની રાજનીતિમાં આ એક મહાયુગનો અંત હતો. અને એ મહાયુગના સ્મારક રૂપે દલુભાઈ દેસાઈનું એક બાવલું તેમના મૃત્યુના અમુક વર્ષો પછી બાદરપુરા ઓઈલમીલના પ્રાંગણમાં લોકાર્પિત કરવામાં આવ્યું.

અહીં એ ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે કે બી. કે ગઢવી સાથે આ રાજનૈતિક ઘર્ષણ રહ્યું હોવા છતાં દલુભાઈ અને બી.કે. ગઢવી વચ્ચેના અંગત સબંધો હંમેશા સ્વસ્થ અને ગાઢ રહ્યા. જ્યારે જ્યારે તેમની પારિવારિક સમસ્યાઓ આવી, બંને એકબીજાના પડખે ઊભા રહ્યા. એ સમયનો નજારો કંઈક એવો હતો કે આખો દિવસ એકબીજાના વિરુદ્ધમાં ભાષણ આપીને દલુભાઈ અને બી.કે.ગઢવી એક જ ઘરમાં બેસીને એક જ થાળીમાં જમતા. બી. કે. ગઢવીએ જાહેરમાં કહેલું કે તેમના પિતાની ગેરહાજરીમાં તેમને તેમના જે કાકાએ ઉછેર્યા તેમના સાથે બી. કે. એ ક્યારેય એક થાળીમાં ભેગું નથી જમ્યું, પણ દલુભાઈ ભેગું એક થાળીમાં તેમણે અનેકવાર જમ્યું છે. દલુભાઈના રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધા બાદ જૂની રાજકીય અને અંગત અદાવતોથી તેમના પરિવારને પરેશાન કરવાની કેટલીક કોશિશો જ્યારે થયેલી ત્યારે બી.કે. ગઢવીએ જ દલુભાઈની ગેરહાજરીમાં એ પરિવારનું રક્ષણ કરેલું. આ ઉપરાંત જોઈતાભાઈ પટેલ, વકીલ મસોતભાઈ (એમ. એલ) ચૌધરી, પરબતભાઈ પટેલ અને પરથીભાઇ ચૌધરીએ પણ દલુભાઇના પરિવારની મદદ માટે યથાશક્તિ કોશિશો હંમેશા કરી. એમાં પણ જોઈતાભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વકીલ એમ એલ ચૌધરીને તો દલુભાઈ પ્રત્યે કૃતજ્ઞતા ભાવથી સમર્પિત રહીને જીવન જીવનારા વિરલ લોકો તરીકે ઓળખવામાં આવે છે.

મહાન વિરાસત અને 'બનાસના સરદાર'

૧૯૭૨ માં ગલબાકાકાએ ટિકિટ અપાવ્યા બાદ અઢી દાયકામાં દલુભાઈએ જે કર્યું હતું એ કંઈક એવું હતું જેની કલ્પના ખુદ ગલબાકાકાએ પણ નહિ કરી હોય. બનાસકાંઠાનો જે ચૌધરી સમાજ ક્યારેક શોષિત સમાજ તરીકે દબાયેલો હતો તે સમાજ આજે દરેક તાલુકામાં પોતાના બે-બે ધારાસભ્યો ધરાવે છે. બનાસકાંઠાના ચૌધરી નેતાઓ આજે રાજ્ય સરકારના અને ભારત સરકારના મંત્રીપદે બિરાજેલા છે. જીલ્લાની ડેરીથી લઈને બેન્ક સુધીની તમામ સહકારી સંસ્થાઓ ચૌધરીઓના હાથમાં છે. આજે બનાસકાંઠાના બજારોમાં ચૌધરીઓની ભાગીદારી પહેલા કરતાં અનેકઘણી વધી છે. બનાસકાંઠાના ચૌધરી સમાજમાં આજે 100 થી વધારે ડોક્ટરો અને સર્જનો છે. છેલ્લા બે દશકમાં ઓબીસી અનામતનો લાભ લઈને મહત્તમ વિકાસ સાધવાવાળી જાતિમાં ચૌધરીઓ સમગ્ર ગુજરાતમાં પહેલા નંબરે છે. ચૌધરી સમાજની આ આખી કાયાપલટના થડમાં દલુભાઈ દેસાઈનું એ અઢી દાયકાનું એકહથ્થુ સામ્રાજ્ય છે. દલુભાઈ દેસાઈ જ એ ટર્નિંગ પોઇન્ટ છે જેણે બનાસકાંઠાના આજના વર્તમાન સ્વરૂપને જન્મ આપ્યો છે.

ગલબાકાકાએ સૂકા અને પછાત બનાસકાંઠામાં દલુભાઈ દેસાઈ નામનું જે એક બીજ વાવ્યું હતું તેણે થડ બનીને અસંખ્ય ડાળીઓ, પુષ્પો અને ફળોથી લદાયેલા એક મહાવૃક્ષનું સર્જન કર્યું છે. આમ, જો ગલબાકાકા ચૌધરી સમાજના વિકાસનું મૂળ છે તો દલુભા એ વૃક્ષનું થડ છે. દલુભાને બનાસકાંઠાની રાજનીતિના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. પણ ગલબાકાકા અને દલુભાની જુગલબંધીને એકસાથે જોઈએ તો એવું કહેવાનું મન થાય કે જો ગલબાકાકા 'બનાસના ગાંધી' છે તો દલુભા 'બનાસના સરદાર' છે. ગલબાકાકા અને દલુભામાં એ જ ફર્ક હતો જે ગાંધી અને સરદારમાં હતો. ગલબાકાકા એક આદર્શવાદી ગાંધી હતા તો દલુભા માટે જે સાચું છે એને કોઈપણ ભોગે સ્થાપવાની સરદારવાળી વ્યવહારિકતા જ સૌથી મોટો આદર્શ હતો.

નવી પેઢી માટેનો સંદેશ અને કૌટુંબિક આદર્શો

આખરી દિવસોમાં રાજનીતિને લઈને દલુભાઈના વિચારો કેટલાક અંશે બદલાયેલા. આખરી વર્ષોના તેમના એક ભાષણમાં તેમણે કહેલું, "હવે, આ સમાજને નેતાઓની જરૂર નથી. હવે આ સમાજને જરૂર છે ડોક્ટરોની, ઇજનેરોની, વૈજ્ઞાનિકોની, શિક્ષકોની અને મહાન વિચારકોની જે આ જિલ્લાની સીમાઓથી બહાર નીકળે અને બહારના વિશ્વમાં ટોચે પહોંચેલા લોકો સાથે કદમ મિલાવે. આવા વિચારશીલ અને વિસ્તૃત માનસિકતા ધરાવતા લોકોના સમાજમાં ઊંચા આદર્શો આપોઆપ ઉદભવે છે. આવા લોકો જયારે આ જિલ્લામાં પાછા ફરશે ત્યારે એ નવા વિચારો લઈને આવશે. અને એ નવા વિચારોથી જ આ સમાજનું કલ્યાણ થશે." આ વાત દ્વારા દલુભાઈ કહેવા માંગતા હતા કે નેતાઓ સત્તા માટે સમાજની સંકૂચિતતાનો જ ફાયદો ઉઠાવે છે. આ કારણે સમાજ જાતિવાદ અને પ્રદેશવાદના ભેદભાવોથી ઉપર ઉઠી શકતો નથી. પણ જો સમાજ ડોક્ટરો, ઇજનેરો, વૈજ્ઞાનિકો અને મોટા વિચારકોથી ભરાયેલો હોય તો એવા વિચારશીલ સમાજ પર રાજ કરવા નેતાઓને પણ મહાન વિચારો અને આદર્શો ધારણ કરવા પડે છે. આમ, શ્રેષ્ઠ સમાજ જ શ્રેષ્ઠ નેતાઓને ઉત્પન્ન કરી શકે છે.

“હવે, આ સમાજને નેતાઓની જરૂર નથી. હવે આ સમાજને જરૂર છે ડોક્ટરોની, ઇજનેરોની, વૈજ્ઞાનિકોની, શિક્ષકોની અને મહાન વિચારકોની... શ્રેષ્ઠ સમાજ જ શ્રેષ્ઠ નેતાઓને ઉત્પન્ન કરી શકે છે.”— દલુભાઈ સવજીભાઈ દેસાઈ

દલુભાઈના આ વિચારો તેમના પોતાના વંશજોના જીવનોમાં વિકસેલા દેખાઈ આવે છે. તેમનો એક પૌત્ર કોમ્યુટર એન્જિનિયર બનીને ઑસ્ટ્રેલિયામાં વર્ષો સુધી આઇબીએમ જેવી કંપનીઓમાં મેનેજર રહ્યા બાદ હવે સિડનીમાં સોફ્ટવેર અને હાર્ડવેર સ્ટાર્ટ અપ ચલાવે છે. તેમનો બીજો પૌત્ર ઓટોમોબાઇલ એન્જિનિયર તરીકે ટાટા મોટર્સનો ગુજરાતનો રિજનલ મેનેજર છે. તેમની બે પૌત્રીઓ પણ પોતાના પરિવાર સાથે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી છે. તેમની બીજી એક પૌત્રી હોમીઓપેથી ડોક્ટર છે અને તેનો પતિ અમદાવાદ IIM માંથી MBA કરીને એમેઝોન કંપનીમાં ભારતના દસ ઉપરી મેનેજરોમાં એક છે. ડૉ. કૌશિક ચૌધરી નામે દલુભાઈની દીકરીનો દીકરો ડેન્ટલ સર્જન હોવા સાથે પ્રખ્યાત લેખક, ચિંતક અને થિન્ક ટેન્કોમાં સલાહકાર તરીકે ગુજરાત અને દેશમાં જાણીતો ચહેરો છે. તેમની સૌથી મોટી પૌત્રીની દીકરી વડોદરાની M.S. યુનિવર્સિટીથી ગણિતમાં પીએચડી છે અને વિશ્વની સન્માનીય રિસર્ચ જર્નલોમાં તેના ગણિત વિષયના પેપર પ્રકાશિત થયેલા છે. તે એમ એસ યુનિવર્સિટીમાં જ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. તેનો નાનો ભાઈ અને તેનો પતિ બંને સૉફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટીનેશનલ કંપનીઓમાં ઊંચા પગારે કાર્ય કરે છે.

સાદગી, આધ્યાત્મિકતા અને માનવતાના દર્શન

હવે છેલ્લે દલુભાઈના રાજનીતિ પાછળના જીવનમાંથી તેમના વ્યક્તિત્વના કેટલાક બીજા પાસા જાણી લઈએ. પહેલું પાસું છે આર્થિક સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીનતા. આટલા લાંબા સમય સુધી જે તે શીર્ષ રાજકીય પદો પર રહ્યા પછી પણ તેમણે અનીતિનો એક ખોટો પૈસો પોતાના ઘરમાં ન લાવ્યો. વકીલાત છોડ્યા પછી તેમનું ઘર બચતમાં અને બાપદાદાની જમીનમાં ખેતી કરીને ચાલતું. વણિક મિત્રો સાથે કરેલી મિલમાં ભાગીદારી રૂપે ખાલી એક માણસનો ખર્ચો કાઢે એટલો જ ભાગ મળતો અને તે પણ ચોકીઆતની આત્મહત્યાના બનાવ બાદ મિલ બંધ કરી દેતા બંધ થઇ ગયેલો. રાજનીતિમાં આવ્યા પછી તેમનો પોતાનો ખર્ચો તે જે તે પદ પર આવતા પગારમાંથી કાઢતા અને તે પદ પર મળતી રહેવાની, ખાવાની અને વાહનની સગવડોનો પૂરો ઉપયોગ કરી લેતા. જયારે તેમનું ચાર સંતાનો અને પૌત્ર-પૌત્રીઓથી બનેલું ઘર તેમના છોકરાઓના પગાર અને ખેતી પર નભતું. પોતે જયારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે એકવાર તેમની દીકરીએ તેમના પાસે પગમાં પહેરવાની સેરો માંગી, પણ દલુભાઈને દીકરીને તે સેરો લઇ આપતા ત્રણ મહિના લાગી ગયેલા.

તેમના આવા જ સાદગીભર્યા સમયમાં તેમને એવા માણસ મળ્યા જેમણે દલુભાઈને મિલકત કમાવી આપી. આજે પાલનપુરમાં સત્યનામ પ્રાઇવેટ કંપનીના સહભાગીદાર અને વેપારી એવા જગાણાના રામચંદભાઈ પ્રજાપતિ તે વખતે દલુભાઈના સંપર્કમાં આવ્યા. રામચંદભાઈના પોતાના શબ્દોમાં, 'હું એકદિવસ દલુભાઈના ખેતરમાં તેમની સાથે એકલો બેઠો હતો. મેં તેમને કહ્યું કે સાહેબ ક્યાં સુધી આ છોકરાઓને ખેતી અને નોકરી કરાવશો. કંઈક તો ફેક્ટરી ધંધા એમને નાખી આપો. તમારા જેવડા મોટા નેતાના દુશ્મનોય ઘણા હોય છે. તમારા ગયા પછી પૈસે ટકે ઘર સમૃદ્ધ ના હોય તો લોકો છોકરાઓને હેરાન કરશે. દલુભાઈએ મને કહ્યું, "હું જે ક્ષેત્રમાં છું એ સેવાનું કામ છે. ત્યાં મારે પૈસા કમાવવા હોય તો ખોટું જ કરવું પડે. અને એ મારા આદર્શો જ નહિ મારા સ્વભાવની પણ વિપરીત છે. મારી શક્તિ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું જાણું છું કે હું સાચો છું. હું મારી નજરોમાં જ ખોટો ઠરું એટલે મારી શક્તિ ખતમ થઇ જાય છે." દલુભાઈના આ શબ્દો સાંભળીને હું સમજી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. આ એક દિવ્ય આત્મા છે જેની શક્તિ તેની દિવ્યતા અને પવિત્રતામાં જ છે. તે દિવસથી મેં નક્કી કરી લીધું કે દલુભાઈની આર્થિક સધ્ધરતાનું પાસું હું સંભાળી લઈશ.'

આ પછી રામચંદભાઈએ જ્યાં જ્યાં પણ જમીનો લીધી ત્યાં દલુભાઈનો અડધો ભાગ રાખ્યો અને તેમની ખેતી અને પશુપાલનની સઘળી આવક એ જમીનો ખરીદવામાં નાખી. રામચંદભાઈ કહે છે કે એક સમયે પાલનપુર અને જગાણા વચ્ચેની મોટાભાગની જમીન અમારા બંનેના ભાગની હતી. પણ દલુભા થોડો ફાયદો દેખાય એટલે રામચંદભાઈને કીધા વગર જમીન વેચી મારતા. એટલે વળી રામચંદભાઈને એ પૈસા બીજી જમીનમાં રોકવા પડતા. આ રીતે રામચંદભાઈના ધંધાદારી મગજથી દલુભાઈએ પોતાના પુત્રોને વારસામાં નેશનલ હાઈવેની બે બાજુ સવા સો વીઘા જમીન વારસામાં આપી. આ રીતે જાણે ભગવાને દલુભાઈ જેવા એક વૈરાગીને આર્થિક સમૃદ્ધિ આપવા રામચંદભાઈ જેવા માણસને તેમની પાસે મોકલ્યા.

બીજું છૂપું પાસું તેમની આધ્યાત્મિકતાનું હતું. દલુભાઈની ધાર્મિકતા વિરોધાભાસોથી ભરેલી હતી. આપણે વાત કરી કે દલુભાઈનો રાજકીય ઉદય જિલ્લામાંથી બ્રાહ્મણ રાજનીતિનો અંત હતો. દલુભાઈને આ વાતનો અહેસાસ હતો. આથી, પોતાના અઢી દાયકાના રાજકીય જીવનમાં તેમણે ક્યારેય બ્રાહ્મણોને કોઈ અન્યાય ન થાય એ વાતનું ધ્યાન રાખ્યું. તે બ્રાહ્મણોનું કામ કરવા હંમેશા તત્પર રહેતા અને તેના લીધે બ્રાહ્મણોમાં દલુભાઈની સારી એવી લોકપ્રિયતા હતી. પણ ઘરમાં વાર તહેવારે કે પ્રસંગો પર બ્રાહ્મણોને અપાતી વસ્તુઓ અને દાનના તે કટ્ટર વિરોધી હતા. એટલું જ નહિ તેમની નાની નાની પૌત્રીઓ જયારે ગૌરો કરવા મંદિરે જતી ત્યારે તે દરેકને પોતાની પૂજાની થાળી પહેલા દલુભાઈને બતાવવી પડતી. દલુભાઈ ચેક કરતા કે એમાં બ્રાહ્મણોને આપવા તો કંઈ લીધું નથીને. વળી, અન્ધશ્રદ્ધાઓથી તો તેમનો ખુલ્લો વિરોધ હતો. તે ઘરે આવતા હોય તે સમયે રસ્તામાં કોઈએ નારીએળ મૂકીને ટોળો કર્યો હોય તો તે એ નારીએળ ઘરે લેતાવતા અને બાળકોને ખવડાવતા. એકવાર એક તંત્ર મંત્રવાળાને દલુભાઈએ ઘર આગળથી કાઢી મુક્યો તો એ તાંત્રિકે દલુભાઈને કહ્યું, 'તને બરબાદ કરવા માટે હું ત્રિશુલ ઉભું કરીશ.' તો દલુભાઈએ જવાબ આપ્યો, 'સારું. હું રોજ તારા એ ત્રિશુલ પર પાણી રેડવા આવીશ.' ધર્મના પાખંડી ચહેરાથી તેમનો આ ભયાનક વિરોધ તેમના દ્રઢ મનોબળ અને ધર્મના ઊંડા ચિંતનનો નિષ્કર્ષ હતો. કારણ કે બીજી બાજુ તેમને વેદોમાં કેટલી સ્મૃતિઓ અને સંહિતાઓ છે એનું પણ જ્ઞાન હતું. ગીતા, વિવેકાનંદ અને ઓશો વિષે તેમને ઊંડું આદ્યાત્મિક જ્ઞાન હતું જે તેઓ કોઈ કોઈ માણસ સામે જ રજુ કરતા.

તેમના કર્મો અને વિચારો કઈ હદે માનવતાથી ભરેલા હતા તેનો એક આછો અંદાજો આ એક પ્રસંગ પરથી પણ આવે છે. દલુભાઈના જ દેસાઈ મહોલ્લામાં એક બીજા ભાઈનું નામ પણ દલુભાઈ હતું. એ બીજા દલુભાઈ એક સામાન્ય ખેડૂત હતા અને હંમેશા દલુભાઈના વિરોધમાં તત્પર રહેતા. એકવાર એક પોલીસ ઓફિસર મૂળ દલુભાઈ પાસે આવ્યો. દલુભાઈના સમયમાં ક્યારેય જગાણા ગામમાં પોલીસ ન આવતી. એટલે પોલીસ ઓફિસર પણ પોલીસની જીપ ગામની બહાર ઉભી કરી ચાલતો દલુભાઈ પાસે આવ્યો હતો. તેણે દલુભાઈને કીધું, 'દલુભાઈ, તમારા વિરુદ્ધ એક દલિતે એટ્રોસિટીનો કેસ કર્યો છે. શું ગામમાં બીજો કોઈ દલુભાઈ છે?' દલુભાઈ સમજી ગયા કે તેમણે પોતે તો એવું કઈ કર્યું નથી. આ કામ ચોક્કસ પેલા બીજા દલુનું છે જે તેમનો કટ્ટર વિરોધી છે. દલુભાઈએ તેમના એ વિરોધીને બચાવવા પોલીસવાળાને કહ્યું, 'મારા સિવાય બીજો દલુભાઈ કોણ હોય આ ગામમાં. હવે કેસ કર્યો જ છે તો હું આ બેઠો છું. લઇ જા ત્યારે મને.' એટલી હિંમત તો પોલીસવાળામાં નહોતી. તે ચુપચાપ પાણી પીને ત્યાંથી નીકળી ગયો.

તો આ હતું દલુભાઈનું જીવનચરિત્ર - જે પોતાનાથી સતત દ્વેષ કરતા કટ્ટર વિરોધીને પણ જેલમાં જતો બચાવવા એક પોલીસવાળા સામે પોતાની મહાન છબીને ખરડી દે અને એ વાતની એ વિરોધીને ક્યારેય જાણ પણ ન થવા દે. આજીવન દલુભાઈના સાથે રહેવાવાળા અને તેમને નજીકથી જોવાવાળા એક વાત હંમેશા કહે છે કે 'દલુભાની મહાનતાને આપણે ક્યારેય પુરી રીતે સમજી શકીશું કે નહિ એ એક સવાલ છે.' આવા એક દુર્લભ વ્યક્તિત્વની સુવાસ દુનિયા પર વિખેરી દઈ ૨૩ માર્ચ ૨૦૦૪ ના રોજ વહેલી સવારે દલુભાઈએ બનાસકાંઠાની ધરતી પરથી આખરી શ્વાસ લઇ લીધો.

બાદરપુરા ઓઇલ મિલ પ્રાંગણમાં દલુભાઈ સવજીભાઈ દેસાઈનું સ્મારક (૧૨ સપ્ટેમ્બર ૧૯૨૭ – ૨૩ માર્ચ ૨૦૦૪).
બાદરપુરા ઓઇલ મિલ પ્રાંગણમાં દલુભાઈ સવજીભાઈ દેસાઈનું સ્મારક (૧૨ સપ્ટેમ્બર ૧૯૨૭ – ૨૩ માર્ચ ૨૦૦૪).
સહભાગી બનો • આર્કાઇવ સંગ્રહ

આ વિરાસતને જીવંત રાખો

જો તમારી પાસે દલુભાઈ સવજીભાઈ દેસાઈ સાથેના કોઈ સંસ્મરણો, ઐતિહાસિક પ્રસંગ, પત્ર કે દુર્લભ તસવીરો હોય તો કૃપા કરીને અમારા આર્કાઇવમાં મોકલો.

તમે સીધો ઈમેઇલ પણ કરી શકો છો: kaushik.chaudhry@gmail.com